મોરબી : મોરબીના આલાપ રોડ પર આવેલા પટેલનગરમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં ઘરની શેરીમાં રમતી અઢી વર્ષની માસૂમ બાળકી ઉપર એક કાર ફરી વળતા બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ગઈકાલે રવિવાર, તારીખ ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના સવા છ વાગ્યાના અરસામાં વાસુદેવભાઈ તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બેઠા હતા અને તેમની અઢી વર્ષની દીકરી ધનશ્રી શેરીમાં રમતી હતી. આ સમયે અચાનક GJ-36-AJ-9315 નંબરની કારના ચાલક નિરવભાઈ મહાદેવભાઈ ભોરણીયા (રહે. જુના દેવળીયા, તા. હળવદ) એ પોતાની કાર લઈને નીકળ્યા હતા. તેઓએ બાળકીને અડફેટે લીધી હતી. કારના આગળ અને પાછળના બંને ટાયર માસૂમ ધનશ્રીના શરીર પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક નિરવભાઈએ કાર ઉભી રાખી હતી અને પોતાનું નામ જણાવ્યું હતું. ત્યારબાદ ફરિયાદી પિતા, પડોશી વિપુલભાઈ સાંણજા અને કાર ચાલક નિરવભાઈ બાળકીને સારવાર માટે નિરવભાઈની જ કારમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ ગયા હતા. થોડીવારમાં બાળકી બેભાન થઈ જતા ફરજ પરના ડોક્ટરે તપાસીને તેને મૃત જાહેર કરી હતી.
બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચીને બાળકીના મૃતદેહનું મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. હાલમાં વાસુદેવભાઈ વડસોલાની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક નિરવભાઈ ભોરણીયા સામે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર નિરવભાઈ ભોરણીયા પોતાના સાળાને ત્યાં આવ્યા હતા. તેઓ ફોન ઉપર વાત કરતા કરતા કાર ચલાવી રહ્યા હતા. બાળકી હડફેટે આવી ત્યારે ત્યાં હાજર લોકોએ બુમો પાડી હતી પણ કારના કાચ બંધ હોવાથી તેમને સંભળાયું પણ ન હતું. આ અકસ્માત વેળાએ આ બાળકી તેના ભાઈ સાથે રમી રહી હતી. જો કે તેનો ભાઈ ત્યાંથી હટી ગયો હતો એટલે તેનો આબાદ બચાવ થયો હતો. કારના વ્હીલ બાળકી પર ફરી વળતા તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.