મકાન પોતાના નામે કરી આપવાની ભાઈએ ના પાડતા સગાભાઈ અને ભત્રીજો વિર્ફયો
મોરબી : મોરબી શહેરના વિદ્યુતનગરમાં બે ભાઈઓના સંયુક્ત નામે આવેલ મકાન પોતાના નામે કરી દેવાનું કહી સગાભાઈ અને ભાઈના પુત્રએ એકસંપ કરી ભાઈનું અપહરણ કરી જાંબુડિયા નજીક એકાંત વાળા સ્થળે લઈ જઈ લાકડાના ધોકા વડે બેફામ માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરમાં ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટી -2માં રહેતા મૂળ ટંકારાના ગજડી ગામના વતની વાસુરભાઈ સામંતભાઈ સોઢિયા ઉ.વ.50 નામના આધેડે આરોપી એવા સગાભાઈ મગનભાઈ સામતભાઈ સોઢિયા અને ભત્રીજા રાજન મગનભાઈ સોઢિયા રહે.બન્ને સર્કિટ હાઉસ સામે, વિદ્યુતનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી તેમજ આરોપીના સંયુક્ત નામે વિદ્યુતનગરમાં મકાન આવેલ હોય જે મકાન આરોપી મગનભાઈએ પોતાના નામે કરી આપવાનું કહતા વાસુરભાઈ મકાન નામે કરી આપવાની ના પાડતા બન્ને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરી મોટર સાયકલમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી જાંબુડિયા નજીક કોરલ ગોલ્ડ કારખાના પાસે લઈ ગયા હતા.જ્યાં બન્ને આરોપીઓએ લાકડાના ધોકા વડે માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વાસુરભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.