શહેર કોંગ્રેસ પ્રમુખે વધુ એકવાર પ્રજાના પૈસાનું એંધાણ થયાનો આક્ષેપ કર્યો
મોરબી : મોરબીમાં વધુ એક વખત તંત્રનું રેઢિયાળ પણું સામે આવ્યું છે. જેમાં થોડા સમય અગાઉ તંત્રના પાપે વાપર્યા વગર 400 થી વધુ સિમેન્ટની થેલીઓ લાંબા સમયથી જેમની તેમજ પડી રહેતા પથ્થર બની ગઈ હતી. હવે ફરી વખત જ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ વાપર્યા વગર પડી રહેતા પથ્થર બની ગઈ છે. તંત્રના રેઢિયાળપણાનો શહેર કોંગ્રેસ પ્રમુખે ભંડાફોડ કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખે 300થી વધુ થેલીઓ ઉપયોગ વગર પથ્થર બની ગયાનો આક્ષેપ કરતા મનપા તંત્ર હરકતમાં આવ્યું છે અને કમિશનરે તપાસ સમિતિ બનાવી આ સમગ્ર મામલે ઉંડાણભરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
મોરબી કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં પ્રજા જોગ પોતાનો વિડીયો વહેતો કરીને જણાવ્યું હતું કે, લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ કોલોનીમાં લાંબા સમય સુધી 300 જેટલી સિમેન્ટની થેલીઓ ઉપયોગ વગર પડી રહેતા સિમેન્ટની જગ્યાએ હવે પથ્થર બની ગઈ છે. લાખો રૂપિયાનો આ સિમેન્ટ કશા કામનો રહ્યો નથી. આ સિમેન્ટ થેલીઓ પડી પડી નકામી થઈ ગઈ છે. થોડા સમય અગાઉ પણ 400 સિમેન્ટની થેલીઓ આવી રીતે જ નકામી થઈ ગઈ હતી. આથી પ્રજાના પૈસાનું પાણી જ નહીં પણ પાણા થઈ ગયાંનો આક્ષેપ કર્યો હતો. આ સિમેન્ટની થેલીઓ જે તે સમયે આખરે તો પ્રજા માટે અને પ્રજાના કામ માટે જ મંગાવી હતી. કદાચ કામ પૂરું થઈ ગયું હોય અને વધી હોય તો બીજા કામ માટે પણ લઈ શકાય હોત. એનો દુવ્યય કરવાનો અર્થ શું ? આ રીતે પ્રજાના પૈસાનું આંધણ કરવું કોઈ કાળે યોગ્ય નથી. હજુ પણ ઘણી જગ્યાએ મનપા તંત્ર તપાસ કરે તો આવી જ રીતે વગર વપરાશે કિંમતી સિમેન્ટનો બગાડ થયાનું સામે આવે એમ છે. આથી તેઓએ જવાબદાર વિરુદ્ધ ફોજદારી દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ મામલે અગાઉની જેમ જ મનપા ઉધતુ ઝડપાયું છે અને સમગ્ર બનાવ મામલે તપાસ કરવા દોડતું થયું છે.
જો કે થોડા દિવસ પૂર્વે મોરબી શહેરમાં જનભાગીદારીથી સોસાયટીઓમાં આરસીસી રસ્તા બનાવવાના પ્રોજેક્ટ બનાવવા માટે લાખોના ખર્ચે મંગાવાયેલ 400 બેગ સિમેન્ટ વાપર્યા વગર પડી રહેતા જામીને પથ્થર બની ગઈ હતી. જે ગાર્ડન વિભાગની બાજુમાં મેદાનમાં પડી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ એક સમિતિ બનાવી તેને તપાસ સોપી છે. આ સમિતિ ડેપ્યુટી કમિશનર ( પ્રોજેકટ)ની અધ્યક્ષતામાં તપાસ કરી 25 ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ કરવાંનો આદેશ કર્યો હતો.