મોરબીમાં પાંચેક દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. સતત વરસાદથી લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા. એમાંય જન્માષ્ટમી જેવા મહત્વના તહેવારો ઉપર વરસાદથી જનજીવન ઉપર ઘેરી અસર પડી હતી.લોકમેળા ધોવાય ગયા હતા. જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિને કારણે ઠેરઠેર પાણી ઘુસી જતા ઘણા લોકોને હાલાકી પડી હતી. ઘણા લોકોને મકાનોમાં નુકશાની સાથે ઘરવખત્રી પણ તણાય ગઈ હતી. તહેવારો ટાંકણે અતિવૃષ્ટિને કારણે વહીવટી તંત્ર એનડીઆરએસ અને એસડીઆરએફ તેમજ પોલીસ અને આર્મીની ટુકડી રાહત અને બચાવ કાર્યમાં લાગી હતી.
મોરબી જિલ્લામાં ભારે વરસાદથી પાકોને નુકશાની થઈ હતી. પણ અતિવૃષ્ટિથી મોટી જાનહાની થઈ ન હતી. હળવદના ઢવાણામાં તણાય જવાથી લોકોના મૃત્યુની ગોઝારી ઘટના સહિત અમુક જગ્યાએ એકડ દોકલ તણાય જવાથી મોત થયા હતા. એ સિવાય બીજી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. પણ ઠેરઠેર રેસ્ક્યુની કામગીરી કરવી પડી હતી.બે દિવસથી વરાપને કારણે પાણી ઓસરી ગયા છે અને મોરબીની બજારો ધમધમી ઉઠી છે જનજીવન આજે થાળે પડ્યું હોય એવી અનુભૂતિ થઈ હતી.તમામ લોકો ફરી આજથી કામે વળગી ગયા છે અને નવેસરથી રૂટિન લાઈફ શરૂ થઈ ગઈ છે જો કે તંત્ર રાહત અને બચાવ બાદ ઠેરઠેર પાકની નુકશાનીની ફરિયાદ ઉઠતા નુકશાનીના સર્વેમાં લાગ્યું છે.