મોરબી : મોરબીના કાયાજી પ્લોટમાં આવેલ આશુતોષ હાઇટ્સ નામના ફ્લેટ વેચાણ અંગેની olxમાં જાહેરાત જોઈને ફ્લેટ ખરીદવા ગયેલા પિતા પુત્ર પાસે ફ્લેટની લોન ચાલુ હોવાનું છુપાવી ફ્લેટ માલીકે રૂપિયા 14 લાખ જેટલી સૂથી લઈ સાટાખત કરી આપ્યા બાદ દસ્તાવેજ નહિ કરી આપી છેતરપીંડી આચરતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી ઉ.વ.69 નામના વેપારીએ આરોપી પાર્થ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા રહે.આશુતોષ હાઇટ્સ, કાયાજી પ્લોટ, ફ્લેટ નંબર 101 વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19 જુનના રોજ આરોપીઓએ olxમાં ફ્લેટ વેચાણ માટે જાહેરાત આપતા ફરિયાદી અને તેમના પુત્ર કાયાજી પ્લોટ ખાતે આવેલ ફ્લેટ જોવા ગયા હતાં. જેથી આરોપીઓએ 50 લાખમાં ફ્લેટ વેચવાનું કહેતા રકઝક બાદ રૂ.41.25 લાખમાં ફ્લેટ વેચાણ માટેનો સોદો થયો હતો.જેથી 11 હજાર રોકડ ટોકન આપી બાદમાં 3,90,000 અને 10 લાખનો ચેક મળી 14 લાખ રૂપિયા ચૂકવી સાટાખત નોટરી કરાવ્યું હતું.
ત્રણ માસ બાદ દસ્તાવેજ કરવાનું વચન આપનાર આરોપીઓ દસ્તાવેજ કરી આપતા ન હોય જેથી દસ્તાવેજ કરી આપવા કહેવા જતા આરોપીઓએ તેમના ફ્લેટની લોન ચાલુ હોય જે ચૂકવી બાદમાં દસ્તાવેજ કરી આપશે તેમ કહી દસ્તાવેજ કરી આપ્યો ન હતો. સાથે જ આરોપીઓએ આ ફ્લેટમાં જ રહેતા ચેતનાબેન નરેશભાઈ જોશી પાસેથી પણ 29 લાખ લઈ સાટાખત કરી આપ્યું હોવાનું સામે આવતા સુનિલકુમારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઠગાઇ અંગે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.