મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પોલીસ દેશી - વિદેશી દારૂના ધંધાર્થીઓ અને દારૂ પીનારા તત્વો પર ધોસ બોલાવી રહી છે.રવિવારે પ્રોહીબિશનના 50થી વધુ કેસ કર્યા બાદ સોમવારે પણ સમગ્ર જિલ્લામાં વ્યાપક દરોડા પાડી પોલીસે દેશી દારૂ વેચાણ, કબજા અને પીવાના કુલ 52 કેસમાં 52 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી 412 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો.જેમાં માળીયા મિયાણા તાલુકામાં સૌથી વધુ 155 લીટર દેશી દારૂના 12 કેસ કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં સિરામિક સહિતની ઇન્ડસ્ટ્રીઝને કારણે શ્રમિક વર્ગમાં નશાની કુટેવને લઈ દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બની અલગ અલગ સ્થળોએ રીતસરના સ્ટેન્ડ બનાવી દારૂ વેચાણ કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે ત્યારે ગઈકાલે મોરબી શહેર અને જિલ્લામાં દેશી દારૂના વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સીટી એ ડિવિઝન પોલીસે 6 કેસમ 70 લીટર, બી ડિવિઝન પોલીસે 9 કેસમાં 32 લીટર, તાલુકા પોલીસે 7 કેસમાં 63 લીટર, વાંકાનેર સીટી પોલીસે 3 કેસમાં 9 લીટર, વાંકાનેર તાલુકા પોલીસે 4 કેસમાં 33 લીટર, ટંકારામાં 3 કેસમાં 11 લીટર, હળવદ પોલીસે 8 કેસમાં 39 લીટર અને માળીયા મિયાણા પોલીસે 12 કેસમાં 155 લીટર દેશી દારૂ તેમજ 34 લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી