Saturday - May 02, 2026

મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, 6ના અપમૃત્યુ મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 6ના અપમૃત્યુના બનાવ નોંધાયા છે. પોલીસે આ 6 બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું, 6ના અપમૃત્યુ

મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હતું. છેલ્લા 24 કલાકમાં 6ના અપમૃત્યુના બનાવ નોંધાયા છે. પોલીસે આ 6 બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં મોરબીના સામાકાંઠે આવેલ સો ઓરડી મેંઈન રોડ ઉપરના રામાપીરના મંદિર સામે રહેતો વિજયભાઈ લાલાભાઈ સોલંકી ઉ.વ.39 નામનો યુવાન ગત તા.4ના રોજ સામાકાંઠે આવેલ નઝરબાગ રેલવે સ્ટેશન આગળ ભડિયાદ તરફના રસ્તે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ટ્રેન હડફેટે આવી જતા ગંભીર ઇજા થવાથી તેને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતા બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર મફતીયાપરામાં રહેતો ચતુરભાઈ સોમાભાઈ સાલાણી ઉ.વ.25 નામનો યુવાન કોઈ કારણોસર આખા શરીરે દાઝી જતા તેનું મોત નીપજ્યું હતું. તેની લાશ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં હળવદ જીઆઇડીસીમાં આવેલ સાંઈબાબા કારખાનાના રૂમમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સવનુંભાઈ ભદાભાઈ મારવી ઉ.વ.48 એ કોઈ કામધંધો ચાલતો ન હોવાથી બેકારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવ દઈ દીધો હતો. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી. જ્યારે ચોથા બનાવમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા જીલ અનિલભાઈ બારડ ઉ.વ.19 નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પાંચમા બનાવમાં મૂળ યુપીના વતની અને હાલ કામધંધા માટે વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સોલોરીસ સીરામીક કારખાનામાં રહેતા શૈલેન્દ્રકુમાર પ્રમોદકુમાર ઉ.વ.19 એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે વાંકાનેરના ચાર માળીયા બિલ્ડીંગ મીલ સોસાયટીમાં રહેતી હીનાબેન રફીકભાઈ બાબરીયા ઉ.વ.23 નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાથમિક તપાસમાં તેનો પતિ નાની નાની વાતમાં પણ ઝઘડો અને શંકા વહેમ કરતો હોવાથી તેણીએ આ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.