મોરબી જિલ્લામાં બુધવારે અલગ અલગ 8 જેટલા અમૃત્યુંના બનાવો નોંધાયા છે. મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર આવેલ શક્તિ ટાઉનશિપમા શિરોમણી એપાર્ટમેન્ટમાં રહીને સફાઈ કામ કરતા નંદબહાદુર કાલીબહાદુર ભેરિકારની સગીરવયની પુત્રી જમનાબેન ઉ.15એ કોઈ અગમ્ય કારણોસર એપાર્ટમેન્ટમા પાણીના ટાકા પાસે મુકેલી લોખંડની સીડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી
મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ અંબાણી પેપરમિલના લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધીરજ અચ્છેલાલ કોલ ઉ.વ. 31 નામના શ્રમિકે આર્થિક સંકળામણને કારણે લેબર કવટર્સના રૂમમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર ઉ.વ.55 નામના આધેડે ગળામાં ચૂંદડી બાંધી ચૂંદડીનો બીજો છેડો બાઈકના એન્ગલમાં બાંધેલ હાલતમાં તલાવડીમા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં અરવિંદભાઈ કરસનભાઈની વાડીએ રહેતા જગનભાઈ ક્રિષ્નાભાઇ રાવટાલા ઉ.વ 47 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત થયું હતું.
મોરબીના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા અશિષભાઈ લક્ષ્મણભાઈ સનુરા ઉ.25 નામના યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. ટંકારા તાલુકાના સજ્જનપર ગામે દુર્લભજીભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા જયેશ પારસિંગભાઈ ભાભોર અને તેમનો પરિવાર ગત તા.27 જુનના રોજ રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે સજ્જનપર ગામ પાસે આવેલ તબેલા નજીક અજાણ્યા ડમ્પર ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં જયેશભાઈના પુત્ર યુવરાજ ઉ.વ 4નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જયેશભાઈએ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જયસુખભાઈ પટેલની વાડીએ રહેતા રોહન ઇતેશભાઈ કિકડીયા ઉ.વ.8 નામનો બાળક કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ ક્રોક મોઝેક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો મૂળ રાજસ્થાનનો વતની માનેકચંદ હીરારામ નાયક ઉ.28 નામનો શ્રમિક રાત્રે સૂતા બાદ સાથી કર્મચારીઓએ જગાડતા જાગ્યો ન હતો અને અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.