અગાઉ શાળા પ્રવેશોત્સવની 18થી 20 તારીખ નક્કી કરાઈ હતી પણ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે તારીખમાં ફેરફાર કરાયો
મોરબી : રાજ્યની સાથે હવે મોરબી જિલ્લાની તમામ સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પુનઃ શરૂ થઈ ગયું છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. જો કે અગાઉ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવની તારીખ 18થી 20 જૂન નક્કી હતી. પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે આ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સીએમની શિક્ષણ સચિવ અને નિયામક સાથેની બેઠકમાં રાજ્યની સાથે હવે પછી મોરબી જિલ્લામાં તા.26 થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની હવે પછી જિલ્લા કક્ષાએ સતાવાર પરિપત્ર સાથે જાહેરાત કરવામાં આવશે.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર પહેલા તેમની પાસે તા.18થી 20 જૂને શાળા પ્રવેશોત્સવની ઉજવણીનો પરિપત્ર આવ્યો હતો. પણ હવે નવી તારીખનો પરિપત્ર આવવાનો બાકી છે. પરંતુ આકડાકીય માહિતી મુજબ આ વખતે શાળા પ્રવેશોત્સવમાં મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક અને માધ્યમિક મળીને 644 જેટલી શાળાઓ બાળકોને પ્રવેશ અપાશે. મોરબી જિલ્લાની બાલવાટિકામાં સંભવિત 8500 ભૂલકાંઓને પ્રવેશ આપવામાં આવશે. મોરબી જિલ્લાની આંગણવાડીમાં 2694 બાળકો અને ધોરણ 1માં 7493 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે ધો. 8 અને ધો. 10 પછી અમુક બાળકો આર્થિક કે અન્ય કોઈ પરિસ્થિતિને કારણે અધવચ્ચે જ અભ્યાસ છોડી દેતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા આવા બાળકો પણ કોઈપણ પરિસ્થિતિમાં ભણતર અધૂરું ન મૂકે તે માટે બનતા તમામ પ્રયાસો કરી આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકા, આંગણવાડી અને ધો.1ની સાથે ધો. 9 અને ધો.11માં પ્રવેશ આપવામાં આવશે. જેમાં ધો.9માં 4946 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે ધો. 11ના ફાઇનલ આંકડા આવવાના હજુ બાકી છે. તેમજ ઉપર મોરબી જિલ્લાના જે આંકડા આવ્યા છે. તે સંભવિત છે તેમાં હજુ પણ ફેરફાર થવાની શકયતા છે. તેમજ મોરબી જિલ્લાના તાલુકા વાઇઝ આંકડા હવે પછી આવશે. શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ મોરબી જિલ્લામાં આવશે અને બાળકોને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવશે. તેમજ મંત્રીઓ અને અધિકારીઓ વાલીઓ સાથે મીટીંગ કરી શિક્ષકો અને ભૂલકાંઓ સાથે પણ વાર્તાલાપ કરશે. સાથેસાથે વર્ગખંડમાં ભણાવતા શિક્ષણનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરશે. જો કે રાજ્યમાંથી ક્યાં મંત્રી અને અધિકારીઓ આવવાના છે તે હજુ નક્કી થયું નથી. પણ શાળા પ્રવેશોત્સવના આગલા બે દિવસ અગાઉ જ તેની યાદી આવશે તેમ સ્થાનિક જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.