13 તારીખ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવાની હોવાથી હજુ પણ બાળકોની સંખ્યા વધવાની સંભાવના
મોરબી : મોરબી જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ સ્કૂલો શરૂ થઈ જતા આર.ટી.ઇ. એટલે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને સરકાર દ્વારા નિર્ધારિત સ્કૂલોમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. હાલ મોરબી જિલ્લામાં ત્રીજા ચાલુ રહેલા તબબકા દરમિયાન 1785 બાળકોને ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવ્યો છે. જો કે,13 તારીખ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેવાની હોવાથી હજુ પણ બાળકોની સંખ્યા વધવાની સંભાવના છે.
મોરબી જિલ્લા પંચાયત શાખામાં આરટીઇ વિભાગના નોડલ ઓફિસર અશોકભાઇ વડાલીયાના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આર્થિક, સામાજિક એમ વિવિધ કેટેગરી વાઇઝ ગરીબ બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવે છે. તેથી ચાલુ વર્ષે તા.28 એપ્રિલથી મોરબી જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ રીતે ત્યારે પ્રથમ તબક્કો શરૂ થયો હતો અને આરટીઇની જોગવાઈ મુજબ વિવિધ કેટેગરીના બાળકોને પ્રવેશ આપવા તેમના વાલીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં વાલીઓએ નિયમ મુજબ પોતાના બાળકો માટે નજીકની સ્કૂલ પંસદ કરી તમામ વિગતો ભરીને અરજીઓ જમા કરાવી હતી. આરટીઇ હેઠળ કુલ 4692 અરજીઓ આવી હતી. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જવાથી અત્યાર સુધીમાં આરટીઇ હેઠળ ખાનગી શાળાઓ બાળકોની પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પુરા થઈ ગયા છે અને ત્રીજો રાઉન્ડ ચાલુ છે. મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ પ્રથમ રાઉન્ડમાં 1796 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. તેમાંથી 1665 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. બીજા રાઉન્ડમાં 152માંથી 100 બાળકોએ પ્રવેશ લીધો છે. હાલ ત્રીજા રાઉન્ડમાં 57ને પ્રવેશ ફાળવ્યો હતો. તેમાંથી આજ સુધીમાં 20 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ 184 ખાનગી શાળાઓની 1954 જગ્યાઓમાં બાળકોને પ્રવેશ આપવાનું નક્કી થયેલું છે. તેમાંથી 1785 બાળકોને ખાનગી શાળાના પ્રથમ વર્ગમાં વિનામૂલ્યે શિક્ષણ માટે પ્રવેશ આપ્યો છે.જો કે પ્રથમ રાઉન્ડમાં જ વધુ બાળકોને પ્રવેશ ફાળવ્યો હતો. પણ શાળા નબળી હોય કે અન્ય બીજા કોઈ કારણોસર વાલીઓએ તેમના બાળકોને પ્રવેશ આપ્યો ન હતો. પણ હવે 13 જૂને ત્રીજો રાઉન્ડ પૂરો થવાનો હોય ત્યાં સુધી સરકારે ફાળવેલી કુલ જગ્યા નહિ ભરાઈ તો ઉપરથી આદેશ આવશે તે મુજબ કાર્યવાહી કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.