Saturday - May 02, 2026

મોરબીમાં મૂળ રકમ વ્યાજ સાથે ચૂકવ્યા છતાં અઢી લાખના 30 લાખ માંગી યુવાનનું જીવન હરામ કરી દીધું

મોરબીમાં મૂળ રકમ વ્યાજ સાથે ચૂકવ્યા છતાં અઢી લાખના 30 લાખ માંગી યુવાનનું જીવન હરામ કરી દીધું

વ્યાજખોરને ચાર મહિનામાં તમામ પૈસા ચૂકવી દીધા છતાં માથાભારે શખ્સને હવાલો આપી ચેક બેંકમાં નાખ્યા

મોરબી : મોરબીમાં વ્યાજખોરો આતંક મચાવી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો મકનસરના ગોકુલનગરમાં સામે આવ્યો છે. અહીં મોબાઈલના એક ધંધાર્થીએ અઢી લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લઈ બાદમાં ચાર મહિનામાં ચૂકવી આપવા છતાં વ્યાજખોરે માથાભારે શખ્સને હવાલો આપી 2.5 લાખના 30 લાખ વસુલ કરવા બેંકમાં ચેક નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા અને અગાઉ મોબાઇલની દુકાન ધરાવતા અમિતભાઇ વિનોદભાઈ વડોલીયા ઉ.વ.26 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ પોતાને મોબાઇલની દુકાન હોય ચાર મહિના પહેલા આરોપી દિલીપ ઉર્ફે ભગવાન વાલજીભાઈ આલ રહે.મકનસર, ગોકુલનગર વાળા પાસેથી અઢી લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. બાદમાં આ નાણાં ચાર મહિનામાં પરત આપી દીધા હતા. જો કે, વ્યાજે નાણાં લીધા ત્યારે આરોપી દિલીપને અમિતાભાઈએ બે કોરા ચેક આપ્યા હતા.જે ચેક નાણાં ચૂકવવા છતાં પરત ન કરી અને ચેક ક્યાંક મુકાઈ ગયા છે તેમ કહ્યું હતું.

આરોપી દિલીપે કોઈ ઇમરાન નામના શખ્સને આ બન્ને ચેક આપી દેતા ઇમરાન અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સ અવાર નવાર અમિતભાઈને ફોન કરી પૈસાની ખોટી ઉઘરાણી કરી ત્રીસ લાખ આપવા પડશે તેમ કહી બેંકમાં ચેક નાખ્યા હતા. જેથી અમિતભાઈએ વ્યાજખોરીના આ બનાવમાં આરોપી દિલીપ, ઇમરાન અને અન્ય ત્રણ અજાણ્યા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.