Saturday - May 02, 2026

મોરબી મહાપાલિકાની સીટી બસો લાંબા સમયથી છૂટી પર

મોરબી મહાપાલિકાની સીટી બસો લાંબા સમયથી છૂટી પર

બસો બંધ હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભારે હાલાકી

મોરબી : મોરબી મહાનગરપાલિકાની જાહેર સીટી બસો લાંબા સમયથી છૂટી ઉપર છે. મહાપાલિકાએ વસાવેલી સીટી બસો હાલ ધૂળ ખાઈ રહી છે. તેથી પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. આ સીટી બસોનો શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મોટી સંખ્યામાં લાભ લેતા હોય પણ હાલ બસો બંધ થઈ જવાથી લોકોને ભારે હાલાકી પડે છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ વી. દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ જી. બાંભણીયા અને રાણેવાડિયા દેવેશ મેરુભાઈ દ્વારા મોરબી મહાનગરપાલિકા સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે કે, અગાઉ મોરબી નગરપાલિકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની અંદર દરેક વિસ્તારોમાં અને આસપાસના ગામડાઓ માટે બસ સેવા સુચારુ રીતે ચાલી રહી હતી પરંતુ વર્ષ 2025માં મોરબીની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યાર બાદ આજ સુધી આ સીટી બસો સંપૂર્ણપણે બંધ છે. જેના કારણે આજુબાજુના ગામડાઓ જેમ કે, શનાળા, સામાકાંઠે, વિરપર, લજાઈ, રવાપર, ઘુનડા, વાવડી સહિતના લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ રોજગાર માટે આવતા કર્મચારીઓ તથા વકીલ નાગરિકોને શહેર સુધી પહોંચવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે. તહેવારોના સમયગાળા દરમિયાન તો આ તકલીફ અત્યંત વધી છે. હાલ મોરબી મહાનગરપાલિકા પાસે ત્રણ જાહેર બસો ઉપલબ્ધ છે. તેમ છતાં તેમાંથી કોઈ પણ સીટી બસોનો હાલ પ્રજાને લાભ મળતો નથી. ત્યારે મોરબીમાં સીટી બસ માટે બસ સ્ટેન્ડ બનાવવા, તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાની ઓફીસ બનાવવા તેમજ તાત્કાલિક બસો ચાલુ કરાવવા માંગ કરવામાં આવી છે.