કારનો બુકડો બોલી ગયો
મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર પસાર થઈ રહી હોય ત્યારે સામેના રોડ ઉપરથી ટ્રકના ચાલકે પોતાના ટ્રકના સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બેકાબુ ટ્રક ડિવાઈડર કૂદીને વીજ પોલ તોડીને સામેના રોડ ઉપર કાર સાથે અથડાયો હતો. ટ્રકની જોરદાર ટકકરથી કારનો બુકડો બોલી ગયો હતો. પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે સત્યમ હાઈટ્સ ફ્લેટ નંબર 403 માં રહેતા પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસિયા (ઉ.વ.38)એ હાલમાં ટ્રક નંબર જીજે 17 યુયુ 8177 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે 36 એપી 4046 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેના રોડ ઉપરથી આરોપી પોતાનો ટ્રક લઈને આવતો હતો અને કોઈ કારણોસર ટ્રક ચાલકે પોતાના ટ્રકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ડિવાઈડર વચ્ચે લગાવવામાં આવેલા ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો હતી અને ત્યાર બાદ વીજપોલ તોડીને ડિવાઇડર કૂદીને ટ્રક સામેના રોડ ઉપરથી પસાર થતા તેમની કાર સાથે અથડાયો હતો જેથી ફરિયાદીની કારના બોનેટમાં, આગળના ભાગે, કાચમાં તથા સનરુફ ટોપમાં નુકસાની થયેલ છે જેથી કારના ચાલક દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.