Saturday - Nov 07, 2026

મોરબીમાં ચોકમાં ગાળો બોલવાની ના પાડતા યુવાન પર ધોકાથી હુમલો, છરીની અણીએ ધમકી

મોરબીમાં ચોકમાં ગાળો બોલવાની ના પાડતા યુવાન પર ધોકાથી હુમલો, છરીની અણીએ ધમકી

મોરબી :મોરબીના લખધીરવાસ ચોક પાસે શેરીમાં ગાળો બોલવાની ના પાડવી એક યુવાનને ભારે પડી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને ગાળો ભાંડી છરી બતાવી હુમલાની ધમકી આપી હતી. એટલું જ નહીં, લાકડાના ધોકા વડે માથાના ભાગે બે ઘા ઝીંકી ઇજા પહોંચાડતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના લખધીરવાસ ચોક પાસે બક્ષી શેરીમાં બહુચર નિવાસ ખાતે રહેતા કિશનભાઈ રમણીકભાઈ પનારાએ સનાળા ગામના યશરાજસિંહ આનંદસિંહ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લખધીરવાસ ચોકમાં આરોપી શેરીમાં ગાળો બોલતો હતો. ત્યારે કિશનભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાયો હતો અને તેમની સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ છરી બતાવી છરી મારી દેવાની ધમકી આપી હતી અને લાકડાના ધોકા વડે માથામાં બે ઘા મારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગેની ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.