Saturday - May 16, 2026

મોરબીના આંદરણામાં શિક્ષકને ચાલુ કલાસમાં દારૂના "પેગ" મારવા ભારે પડયા, ગુનો દાખલ

મોરબીના આંદરણામાં શિક્ષકને ચાલુ કલાસમાં દારૂના

બાળકો સામે દારૂ પી ડીંગલ કર્યા બાદ પોલીસ આવતા નશાખોર શિક્ષકે મુઠીઓ વાળી

મોરબી :  મોરબીના આંદરણા ગામના શિક્ષકે  સરકારી પ્રાથમિક શાળામાં ચાલુ કલાસે બાળકોને ભણાવતા ભણાવતા દારૂના પેગ ભરી નશામાં ચકચૂર બની જતા બાળકોએ વાલીઓને કરેલી જાણ બાદ નિવૃત આર્મીમેન અને મહિલા સરપંચના પતિએ પોલીસ બોલાવતા નશાખોર શિક્ષકે મુઠીઓ વાળી હતી.આ ઘટના અંગે સરપંચના પતિએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોરબી તાલુકાની આંદરણા ગામની સરકારી પ્રાથમિક શાળા નંબર એ-01માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઇ ખીમજીભાઈ પરમાર રહે.ચરાડવા વાળા ગઈકાલે ચાલુ શાળાએ બાળકોને ભણાવતા ભણાવતા બાળકોની સામે જ દારૂના પેગ ભરીને ભણ ભૂલ્યા હોવાથી બાળકોએ વાલીઓને જાણ કરતા નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ કાંતિભાઈ સંઘાણીએ મહિલા સરપંચના પતિ નિતેશભાઈ મનજીભાઈ ચાવડાને જાણ કરતા બન્ને અગ્રણીઓ શાળાએ પહોંચ્યા હતા.જ્યાં શિક્ષક હોશ ગુમાવી નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. જેથી ઘટનાનો વીડિયો ઉતારી પોલીસને જાણ કરી હતી.જો કે, પોલીસ આવે તે પહેલાં જ નશાખોર શિક્ષક નાસી ગયો હતો.બનાવ સ્થળેથી પોલીસે પ્લાસ્ટિકની થેલીમાં રહેલી વિદેશી દારૂની 500 મીલી ભરેલી બોટલ સહિતની સામગ્રી કબ્જે કરી સરપંચના પતિ નિતેશભાઈ ચાવડાની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કર્યો હતો.