Thursday - May 07, 2026

મોરબીમાં મધરાત્રે કૂતરો રઘવાયો બનીને માસૂમ બાળક ઉપર તૂટી પડતા મોત

મોરબીમાં મધરાત્રે કૂતરો રઘવાયો બનીને માસૂમ બાળક ઉપર તૂટી પડતા મોત

કારખાનામાં શ્રમિકોની વસાહતમાં રાત્રે બહાર સૂતેલો બાળક અચાનક  જાગીને ઘરમાં જતી વખતે કૂતરાએ હુમલો કરી દીધો

મોરબી : મોરબી શહેરમાં રખડતા શ્વાનોનો આંતક હવે ઘાતક બની ગયો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી-જેતપર રોડ ઉપર આવેલા ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં મજૂરી કામે આવેલા પરિવારના એક 8 વર્ષીય બાળકને રખડતા શ્વાને ગંભીર રીતે ઇજા પહોંચાડતા માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે.

મોરબી-જેતપર રોડ ઉપર આવેલા કારખાનામાં કામ કરતા કૃપાલભાઈ માલવિયાનો 8 વર્ષીય પુત્ર કૃણાલ રાત્રે 12 વાગ્યાની આસપાસ બહાર સૂતો હતો. ત્યારબાદ રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં તે પોતાની માતા પાસે રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં શ્વાનોએ તેના પર હુમલો કરી દીધો હતો. શ્વાનોએ ગંભીર રીતે બચકા ભરતા કૃણાલનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 2 દિવસથી જીઆઇડીસી વિસ્તાર અને ચિત્રકુટ સોસાયટી આસપાસ દરરોજ 10થી 20 લોકોને શ્વાનો બચકા ભરી લ્યે છે. આવી ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.