મહિલાના આક્ષેપોની તપાસ કરી પુરાવા એકત્ર કરી ઉઘરાણા સાબિત થશે તો એસીબીમાં ફરિયાદ પણ કરવાનો કમિશનરે નિર્દેશ
મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં રોડસાઇડ પર ઘાસનો વેપાર કરતા ભાવનાબેન નામના સામાન્ય મહિલા પાસેથી રોડ સાઈડમાં વેપાર કરવા દેવાના બદલામાં મહાપાલિકાના રોજમદાર કર્મચારીએ રૂ.100, 200 અને 500ની રકમ અવારનવાર ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપનો વીડિયો સામે આવ્યા બાદ મહાપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આ મહિલાની રજૂઆત અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કમિશનરે હાલના તબક્કે રોજમદારને ચાલતી પકડાવી સમગ્ર મામલે પુરાવા એકત્ર કરી તપાસ આગળ ધપાવવાનો અને આક્ષેપો સાચા સાબિત થાય તો પોલીસ સાથે સંકલન કરીને એસીબીમાં ફરિયાદ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
મોરબી મનપાના રોજમદાર કર્મચારી આનંદભાઈ મકવાણાએ સામાન્ય ધંધાર્થીઓને દબાવી તેમની પાસેથી વારંવાર નાણાં પડાવીને હેરાન કરતો હોવાની ફરિયાદ સાથે તાજેતરમાં મહિલાએ હોબાળો મચાવતા અંતે કમિશનર સંગીતા રૈયાણીએ આ ગંભીર બાબતે તેની પૂછપરછ કરી હતી અને મહિલાએ કરેલી ઉઘરાણાની ફરિયાદ અંગે ખુલાસો માંગતા તેણે એ મહિલા રોડ સાઇડ પર ગેરકાયદે દબાણ કરીને ઘાસનો વેપાર કરતી હોવાથી અગાઉ ઈ-ચલણથી દંડ કરાયો હોવાના પુરાવા રજૂ કર્યા હતા. પરંતુ ગંભીર આક્ષેપને પગલે તપાસ હાથ ધરી હાલના તબક્કે તેને છૂટો કરી દેવાયો હોવાનું કમિશનરે જણાવ્યુ છે અને હજુ પણ યોગ્ય તપાસ કરી મહિલાએ કરેલા આક્ષેપ સાચા ઠરશે તો ફોજદારી રાહે કડક કાર્યવાહી કરવાનો પણ કમિશનરે સંકેત આપ્યો છે.
કમિશનર સમક્ષ રોજમદારનો બચાવ, ‘મેં કોઈ રૂપિયા લીધા નથી’
મહિલાએ વારંવાર રૂપિયા લેવાતા હોવાના આક્ષેપ કર્યા બાદ રોજમદાર કર્મચારીને કમિશનર સમક્ષ બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.
તેણે મહિલા પાસેથી રૂ.100, 200 કે 500ની કોઈ રકમ લીધી ન હોવાનું જણાવીને ઉલ્ટું મહિલા રોડની સાઈડ ઘાસચારો વેચતી હોય છતાં પણ એણે ગેરકાયદે દબાણ કર્યું એવું કહીને પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવા મહિલા ઉપર દોષનો ટોપલો ઢોળી દીધો હોવાનું જણાવા મળ્યું છે.
અગાઉ પણ ડીઝલ ચોરીના આક્ષેપ બાદ વિવાદમાં આવ્યો
મહાપાલિકાના આ રોજમદાર કર્મચારી સામે અગાઉ નગરપાલિકા સમયગાળા દરમિયાન ડીઝલ ચોરીનો પણ આક્ષેપ થયો હતો. આ ગંભીર મામલે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કમિશનરે જણાવ્યું છે. હાલ મહિલાએ કરેલા ઉઘરાણાંના આક્ષેપથી ફરી તે વિવાદમાં આવ્યો છે. હવે હાલના કેસમાં મહિલ પાસેથી ખરેખર હપ્તો લેતો હતો કે નહીં તે યોગ્ય તપાસ બાદ જ સત્ય સામે આવશે એવું કમિશનરે જણાવ્યું છે.