Monday - Jul 27, 2026

મોરબીમાં આગેવાન મનોજ પનારા સહિત છથી સાત શખ્સો વિરુદ્ધ યુવાન પર છરીથી હુમલાની ફરિયાદ નોંધાતા ચકચાર

મોરબીમાં આગેવાન મનોજ પનારા સહિત છથી સાત શખ્સો વિરુદ્ધ યુવાન પર છરીથી હુમલાની ફરિયાદ નોંધાતા ચકચાર

પિતરાઈ ભાઈ સાથેની માથાકૂટનો બદલો લેવા હુમલો કર્યોનો આરોપ : છરીના ઘા બચાવતા હાથમાં ઈજા, જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનો આક્ષેપ

મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામમાં રવિવારે રાત્રે એક યુવાન પર ઘરમાં ઘૂસી હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં આ યુવાન ઉપર છરીથી હુમલો જાણીતા આગેવાન મનોજ પનારા સહિત છથી સાત શખ્સોએ ઘરમાં ઘુસીને કર્યોના આરોપ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એટલું જ નહીં ફરિયાદમાં યુવાનના પિતરાઈ ભાઈ સાથે વેરઝેરનો બદલો લેવા મનોજ પનારા સહિતનાએ હુમલો કર્યાનો ઉલ્લેખ કરવામાં આવતા ભારે ચકચાર મચી ગઇ છે. આ ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મોરબીના રાજપર ગામના કૃષ્ણા પાર્ક-1માં રહેતા કરણભાઈ ઉર્ફે જતીન દિનેશભાઈ ડાંગર (ઉ.વ. 21) નામના યુવાને પાટીદાર અગ્રણી મનોજ પનારા સહિત છથી સાત શખ્સો સામે હુમલાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. 26 જુલાઈની રાત્રે આ યુવાન પોતાના મોટા બાપુ બચુભાઈ પુનાભાઈ ડાંગરના ઘરે હતો. તે દરમિયાન આગેવાન મનોજ પનારા, યોગેશભાઈ અને અન્ય 4થી 5 શખ્સો ત્યાં ઘસી ગયા હતા અને આ આરોપીઓને કરણભાઈના મોટા બાપુના દીકરા મુકેશ ડાંગર સાથે અગાઉ થયેલા મનદુઃખને લઈને રોષ હોવાથી આરોપીઓએ બહારથી મુકેશનું નામ લઈને બૂમાબૂમ અને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.

ફરિયાદ મુજબ દરવાજો ન ખુલતા આરોપીઓએ ધક્કો મારી સ્ટોપર તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. કરણભાઈએ મુકેશ ઘરે હાજર ન હોવાનું જણાવતાં મનોજ પનારાએ તેમનો કોલર પકડી ઘરની બહાર શેરીમાં ખેંચી ગયા હોવાનો આરોપ છે. આગળ ફરિયાદમાં જણાવાયું છે કે શેરીમાં મનોજ પનારાએ પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરતાં કરણભાઈએ બચાવ માટે હાથ વચ્ચે લાવતાં જમણા હાથની હથેળીમાં ઈજા પહોંચી હતી. ઝપાઝપી દરમિયાન તેમનું ટી-શર્ટ ફાટી ગયું હતું તેમજ છાતીના ભાગે નખના ઉઝરડા પડ્યા હતા. ઉપરાંત મનોજ પનારાએ ડાબા કાન પાસે મુક્કો માર્યો હતો, જ્યારે તેની સાથે આવેલા અન્ય શખ્સોએ પાછળથી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

દેકારો થતાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. જતાં-જતાં મનોજ પનારાએ કરણભાઈ અને મુકેશ ડાંગરને જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની ગાડીમાં ફરાર થઈ ગયો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત કરણભાઈને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે મનોજ પનારા, યોગેશભાઈ તથા અન્ય 4થી 5 અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.