મોરબીમાં ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરોનો ત્રાસ બેકાબુ બન્યો છે અને માર્ગો ઉપર દરરોજ આખલા યુદ્ધથી ટ્રાફિકજામ અને લોકોના રામ પણ રમી ગયાના બનાવો બનતા હોય આ રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે વધતા લોકો ત્રાસી જવાથી અંતે ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવા માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડ ઉપર આવ્યું હતું. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ એંજન્સી ફાઇનલ કરીને એક ખાસ ટિમ દ્વારા રસ્તે રઝળતા 11 ઢોરને પકડીપાંજરાપોળમા ખસેડાયા છે.
મોરબી શહેરમાં હમણાંથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હોય એને કાબુમાં કરવા તેમજ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વહીવટીદાર સહિતના અધિકારીઓ તેમજ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજીને કોન્ટ્રાક્ટ એજન્સી ફાઇનલ કરીને અધિક કલેક્ટર ખાચર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડોબરીયાના માર્ગદર્શન હેઠળ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરાઇ છે. દરરોજ રાત્રીના સમયે ટ્રાફિક ઓછો હોય એટલે અલગ અલગ વિસ્તારમાં ઢોર પકડ ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 19 જેટલા રસ્તે રઝળતા ઢોરને પકડીને પાંજરાપોળને હવાલે કરી દેવામાં આવ્યા છે. જ્યારે ખાનગી માલિકીના ઢોર હશે તેના માલિકોને ઢોર પ્રથમ વખત પકડાય તો 3 હજાર અને બીજી વખત પકડાય તો પશુ પાલકને 5 હજારનો દંડ ફાટકારવામાં આવશે અને ત્રીજી વખત પકડાશે તો પશુ માલિક સામે ફોજદારી કાનૂની રાહે પગલાં ભરાશે તેવી વહીવટીદારએ ચેતવણી આપી છે અને આ મુજબ હજુ માલિકીના ઢોર પકડાય તો દંડ કરવામાં આવી રહ્યો છે. તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે.