દુકાનની બહાર બોલાવી વેપારીને હાથે, પગે અને માથામાં માર માર્યો, બચાવવા વચ્ચે પડેલા વ્યક્તિને પણ બોટલથી ફટકારી કાનમાં ઈજા પહોંચાડી
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા શિવાલિકા કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા વેપારી યુવાન પર અગાઉની અંગત અદાલતનો ખાર રાખીને ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વેપારીને દુકાનની બહાર પાર્કિંગમાં બોલાવી લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. દરમિયાન યુવાનને બચાવવા વચ્ચે પડેલા અન્ય વ્યક્તિને પણ ઢીકાપાટુ અને પ્લાસ્ટિકની મોટી ખાલી બોટલથી માર મારતાં કાનમાં ઈજા પહોંચી હતી. બનાવમાં ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પ્રભુકૃપા રેસિડેન્સીની વિનાયક વિલા, બ્લોક નંબર 201માં રહેતા ચંદ્રેશભાઈ રણછોડભાઈ પનારા (ઉં.વ.36)એ શૈલેષભાઈ ગોરીયા સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ચંદ્રેશભાઈ મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાલિકા કોમ્પલેક્ષમાં આવેલી પટેલ પાન નામની દુકાને હતા ત્યારે અગાઉની અંગત અદાલતનો ખાર રાખીને શૈલેષભાઈ સાથે આવેલા તેના મિત્રએ તેમને દુકાન બહાર પાર્કિંગમાં બોલાવ્યા હતા. ત્યાં પહોંચતાં જ ચારેય શખ્સોએ ગાળો આપી ઝપાઝપી શરૂ કરી હતી અને લાકડાના ધોકા વડે હાથ, પગ તથા માથાના ભાગે માર માર્યો હતો.
હુમલાથી બચવા ચંદ્રેશભાઈ ત્યાંથી ભાગવા જતાં શૈલેષભાઈ સાથે આવેલા એક શખ્સે તેમને પકડી રાખ્યા હતા અને વાસાના ભાગે માર મારતાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી. આ દરમિયાન ચંદ્રેશભાઈને બચાવવા દિવ્યેશભાઈ વચ્ચે પડતાં હુમલાખોરોએ તેમને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો અને પ્લાસ્ટિકની મોટી ખાલી બોટલ ફટકારતાં કાનમાં ઈજા થઈ હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંદ્રેશભાઈની ફરિયાદના આધારે પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.