ખેડૂતોના ઉગ્ર વિરોધને અંતે પેટ્રોલ પંપના સંચાલકોએ નમતું જોખી ખેડૂતોને પરાણે ઓઇલ ન આપવાની સંમતિ દર્શાવી
મોરબી : ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલની તંગીને કારણે પરિસ્થિતિ એકદમ નાજુક હોય ત્યારે પીએમ મોદીએ ઈંધણનો કરકસરથી ઉપયોગ કરવાની ટકોર કર્યાની વચ્ચે હળવદમાં એક પેટ્રોલ પંપના સંચાલકો ડીઝલ પર પરાણે ઓઇલ પધરાવી દેવા ખેડૂતોને દબાણ કરતા હોવાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ થતા આ આખી ઘટના ટોક ઓફ ટાઉન બની છે. હળવદમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ખેતીકામ માટે ડીઝલ લેવા આવેલા ખેડૂતોને ઓઇલ ધરાર ધાબડીને સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેમાં 50 લીટર ડીઝલ પર ખેડૂતોને રૂ.460નું ઓઇલ લેવા મજબૂર કરાતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જો કે, આ વીડિયોની આર.બી.ન્યુઝ પુષ્ટિ કરતું નથી.
હળવદ શહેરમાં આવેલા ભારત પેટ્રોલ પંપ પર ખેડૂતો પોતાના ટ્રેક્ટર કે અન્ય કૃષિ ઉપયોગ માટે 50 લીટર ડીઝલ કેરબામાં લેવા જાય ત્યારે પંપના કર્મચારીઓ દ્વારા તેમને 460 રૂપિયાની કિંમતનો ઓઇલનો ડબ્બો લેવા માટે ફરજ પાડવામાં આવે છે. જો ગ્રાહક ઓઇલ લેવાની ના પાડે તો તેમને ડીઝલ આપવાનો ઇનકાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગ્રાહકો અને ખેડૂતો આ બાબતે પંપના જવાબદાર વ્યક્તિ સાથે ઓફિસમાં જઈને ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે અને તેમની આ મનમાનીનો સખત વિરોધ કરી રહ્યા છે.
વીડિયોમાં જાગૃત ખેડૂતો જવાબદાર વ્યક્તિને સવાલ કરી રહ્યા છે કે ડીઝલ સાથે ઓઇલ ફરજિયાત લેવાનો આવો કયો સરકારી કે કંપનીનો નિયમ છે? ખેડૂતોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને પરાણે ઓઇલ પધરાવવાની આ નીતિ સામે ગ્રાહકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના ઉગ્ર વિરોધ અને સવાલો બાદ આખરે પેટ્રોલ પંપના સંચાલકોએ નમતું જોખ્યું હતું અને જેમને ઓઇલ ન જોઈતું હોય તેમને પરત કરી દેવા અને માત્ર ડીઝલ આપવા માટે સંમતિ દર્શાવી હતી.