મોરબી : ઉનાળો મધ્યાહ્નને પહોંચ્યો હોય એમ તાપમાન 44 ડિગ્રીને આંબી જતા ગગનગોખેથી સૂરજદાદા કોપાયમાન થઈને રીતસરની અગનવર્ષો કરતા હોવાથી જનજીવન અગનભઠ્ઠીમાં શેકાય રહ્યું હોય એવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આકાશમાંથી વરસતી અગન લુથી લોકો અને ખાસ તો બાળકોને રાહત આપવાના અને બાળમાનસ પર ખુશીની રોનક ખીલવવાના ઉમદા હેતુથી 'નિર્શિવ ફાઉન્ડેશન' દ્વારા ગઈકાલે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકો અને માસૂમ બાળકોને આઈસ્ક્રીમ કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં જ્યારે ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો અને ખાસ કરીને બાળકો ગરમીથી ભારે ત્રાહિમામ પોકારી ગયા છે. આવા સમયે બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમને ગરમીમાં થોડી ઠંડકનો અહેસાસ કરાવવા માટે નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આ સરાહનીય સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈસ્ક્રીમ કેન્ડી મળતાં જ નાના ભૂલકાઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.
આ સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે નિર્શિવ ફાઉન્ડેશનની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યમાં સંસ્થાના સ્થાપક રોહન રાંકજા, આરતી રોહન, શિવમ અને વિશ્વા વાઘડિયા, ભક્તિ અને દ્વીરા મારવણીયાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના હાથે ઝૂંપડપટ્ટીના રહીશો તેમજ બાળકોને આઈસ્ક્રીમ કેન્ડી વહેંચી હતી.
સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, "સમાજના છેવાડાના માનવીઓ અને બાળકોના જીવનમાં નાની એવી ખુશી લાવવી એ જ અમારા ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય છે. કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ ખાઈને બાળકોના ચહેરા પર જે નિર્દોષ આનંદ જોવા મળ્યો, તે અમારા માટે સૌથી મોટો સંતોષ છે."
નિર્શિવ ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવા અનેક સેવાકાર્યો દ્વારા સમાજ ઉપયોગી કામગીરી કરવા માટે પ્રતિબદ્ધ છે.