જૂના કારખાનામાં જ કામે જવાની જીદ કરતા પિતાનો ઠપકો સહન ન થતા પુત્રીએ અંતિમ પગલું ભર્યાનું ખુલ્યું
મોરબી : હળવદ તાલુકાના દેવપુર (સુખપર) ગામે પિતાએ બીજા કારખાનામાં મજૂરી કામે જવાનું કહેતા પુત્રીને આ વાત હાડોહાડ લાગી આવી હતી. જૂના કારખાનામાં જ કામે જવાની જીદ રાખતા પિતાએ સમજાવીને ઠપકો આપ્યો હતો. આ ઘટનાના પગલે પુત્રી વ્યથિત થઈ ગઈ હતી અને બાદમાં ઘરે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
હળવદના દેવપુર ગામે રહેતા ભરતભાઇ લાલજીભાઇ દેખાવાડિયા અલગ-અલગ કારખાનામાં ગાડીના ફેરા કરતા હતા. તેમની 18 વર્ષીય પુત્રી દિવ્યા પણ પિતા સાથે કારખાનામાં મજૂરી કામે જતી હતી. દરમિયાન ભરતભાઇએ દિવ્યાને અગાઉ જે કારખાનામાં કામ કરતી હતી તેના બદલે અન્ય કારખાનામાં મજૂરી કામે જવા જણાવ્યું હતું.
જો કે, દિવ્યાએ જૂના કારખાનામાં જ કામે જવાની વાત કરતાં પિતાએ તેને સમજાવી ઠપકો આપ્યો હતો. આ વાતનું દિવ્યાને માઠું લાગી આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ ગત તા.17ના રોજ દિવ્યાએ પોતાના ઘરે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.