બાર દિવસ પૂર્વે વહેલી સવારમાં બનેલી ઘટનાના સીસીટીવી ફુટેજના આધારે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબી : મોરબી શહેરના ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં બાર દિવસ પૂર્વે વહેલી સવારમાં જસદણના બે શખ્સ અને એક અજાણ્યા શખ્સે બુલેટ મોટર સાયકલ પર આવી બે મોટર સાયકલ પર પેટ્રોલ છાટી સળગાવી નાખતા બનાવ અંગે મોટર સાયકલ માલિક વેપારીએ સીસીટીવીના આધારે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને કોલસાનો વેપાર કરતા ભાવેશભાઈ મોહનભાઇ થારેચાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11 ફેબ્રુઆરીના રોજ જસદણના શિવરાજપુર નિકુંજ જાની અને જસદણના ડોડીયા સુજલ તેમજ એક અજાણ્યો શખ્સ વહેલી સવારે તેમના ઘર પાસે આવ્યા હતા અને પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લાવી જીજે - 36 - એઇ - 6444 નંબરના એક્ટિવા અને જીજે - 36 - ક્યુ - 2237 નંબરના મોટર સાયકલ પર પેટ્રોલ છાટી સળગાવી નાખી રૂ.1.10 લાખનું નુકશાન પહોંચાડયું હતું.બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.