Wednesday - Apr 22, 2026

200 મકાનો પાણીમાં ગરકાવ થતા અસરગ્રસ્તો સલામત સ્થળે પહોંચી ગયા

200 મકાનો પાણીમાં ગરકાવ થતા અસરગ્રસ્તો સલામત સ્થળે પહોંચી ગયા

મોરબીના મચ્છુ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા નદી કાંઠાના માળીયા પંથકમાં પુર જેવી પરિસ્થિતિને કારણે ભારે ખાના ખરાબી થઈ હતી. મચ્છુ નદીના પાણી માળીયા શહેર તેમજ મોટાભાગના ગામોમાં ફરી વળતા હરિપર સહિત અનેક ગામોનો સંપર્ક કપાયો હતો.આથી માળીયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત 
દરમિયાન મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટ્રેક્ટરમાં બેસીને માળીયાના હરીપર ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે તેમજ વાંકાનેર અને ઉપરવાસના કારણે મચ્છુ નદી ના પાણી માળીયા તાલુકાના કેટલાક ગામોમાં ફરી વળ્યા હતા જેના પગલે માળીયા તાલુકાના કેટલાક ગામોમાં રસ્તાઓ પર પાણી ચડતા ગામ સંપર્ક વિહોણા બનતા વાહન વ્યવહાર બંધ થયો છે. માળીયા તાલુકાના લગભગ ૭ જેટલા ગામના રસ્તાઓ પર પાણી ચડી આવ્યું હતું. મંત્રી અને સરકારી તંત્રએ માળીયામાં તમામ જગ્યાએ મદદ પહોંચી હોવાના દાવાને વાવણીયા ગામના લોકોએ ખોટા પાડ્યાં હતા. જેમાં મચ્છુ નદીના પાણીમાં 200 મકાનો ગરકાવ થતા આ તમામ લોકો ઘરમાંથી જે હાથ લાગ્યું તે લઈને સલામત સ્થળે પહોંચી ગયા છે. આ 200 ઘર બેઘર બન્યા હતા. પાણી એટલા ભરાયા હતા કે ઉલેચાયા જ ન હતા. એટલે 200 ઘરોમાં રહેતા લોકો મદરેસામાં રહેવા પહોંચી ગયા હતા અને સરકારી મદદ ન મળી હોવાની રાવ કરી હતી.મોટા દહીંસરા ગામે ખેતરોમાં પાણી ભરાયા છે આથી આ ખેતરોના મંજૂરોને સરકારી શાળામાં ખસેડવામાં આવ્યા હતા.ખેતરોમા ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાતા પાકોમાં નુકશાની થઈ હતી અને પાણીની આવક સતત વધતા ગામનું તળાવ તૂટે તેવી શકયતા છે..લક્ષ્મીવાસ ગામે આગળ આવેલ વોકળો બે કાંઠે થતા આ ગામનો સંપર્ક કપાયો હતો ગામલોકો ક્યાંય ત્રણ-ચાર દિવસ સુધી ઘરની બહાર ન નીકળી શકે તેવી હાલત સર્જાઈ હતી.ખેડૂતોને દરેક પાકોમાં મોટી નુકશાની વેઠવી પડી છે. ખેતરે જઈ શકે એમ જ નથી. વિરપરડા ગામની આરપાર મચ્છુના પાણી ફરી વળતા આ ગામનો પણ સંપર્ક કપાયો હતો. માથોડા સુધી પાણી ભરાતા બે દિવસ સુધી તે ગામના બીજા ગામને જોડતા માર્ગો તૂટી ગયા છે.વરસાદને કારણે હજનાળી ગામે કેડ સમાણા પાણી ભરાયા હતા અને ઘરોમાં પણ પાણી ઘુસી જતા જીવ ઉચક થઈ ગયો હતો.