Saturday - May 16, 2026

માતાએ પેટે પાટા બાંધી પારકા કામો કર્યા તો સામે છેડે પુત્રીએ પણ કપરો સંઘર્ષ કરીને સીએ બનીને જ્વલંત સિદ્ધિ મેળવી

માતાએ પેટે પાટા બાંધી પારકા કામો કર્યા તો સામે છેડે પુત્રીએ પણ કપરો સંઘર્ષ કરીને સીએ બનીને જ્વલંત સિદ્ધિ મેળવી

મોરબીની સામાન્ય પરિવારની દીકરી અસામાન્ય સિદ્ધિ

( રવિ બરાસરા) મોરબી : મોરબીમાં એક એવા બેજોડ માતા-પુત્રીના સંઘર્ષની જુગલબંધીથી સમાજમાં એક મિશાલ કાયમ થઈ છે. જેમાં માતાએ અનેક કષ્ટો વેઠીને પારકા કામો કર્યા તો સામે છેડે પુત્રીએ પણ શિક્ષિત બન્યા બાદ પોતે જ સ્વનિર્ભર બનીને કોલેજ અને સીએના ભણતરનો ખર્ચ ઉઠાવીને કપરો સંઘર્ષ કરીને સીએ બનીને જ્વલંત સિદ્ધિ મેળવી છે. આ પુત્રીનું નામ પૂજા   વાઘેલા છે અને માતાનું નામ મંજુલાબેન વાઘેલા અને પિતાનું નામ કિશોરભાઈ વાઘેલા છે. આ પરિવાર મોરબીના સામાંકાંઠે આવેલ જનકલ્યાણનગરમાં રહે છે. પિતા અગાઉ એક દુકાનમાં નોકરી કરતા હતા.પણ હવે એક સ્કૂટર વસાવી ચોકલેટ સહિતના બાળકોનો ભાગ ગણાતી વસ્તુઓની દુકાને-દુકાને ફેરી કરે છે. તેમનો ધંધો એકદમ નાનો હોવાથી આવક સાધારણ છે. પૂજાબેનનો પરિવાર દાદા-દાદી, બે મોટા ભાઈ-બહેન, ભાઈજી, ભાભુથી હર્યાભર્યો હતો. પણ હવે દાદા-દાદી અને ભભૂ હયાત નથી. તેમજ મોટા બે ભાઈ બહેન લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયા છે. એટલે હવે પરિવારમાં 8 સભ્યો જ છે. જો કે આર્થિક સ્થિતિ ભલે સામાન્ય હોય પણ સંસ્કારોનું સારું સિંચન થયું હોવાથી તેઓ શરૂઆત ભણવા તરફ જ ધ્યાન કેન્દ્રિત કરતા.તેમને ભણાવવા માટે માતાએ ખૂબ જ કઠોર સંઘર્ષ કર્યો છે. માતાએ શરૂઆતમાં સંતાનોને ભણાવવા માટે રસોઈ, ઝાડુ, પોતા જેવા પારકા કામ પણ કર્યા છે અને કોઈના લગ્ન સહિતના પ્રસંગે રસોડાના કામો ચાલતા તેમાં પણ તેઓ જતા. આવી રીતે માતાએ ખૂબ જ મહેનત કરી છે.તેથી જ તો પૂજાબેનના બે મોટા ભાઈ બહેનમાં બહેન બીકોમ અને ભાઈ એમ કોમ સુધી ભણ્યા છે. આથી પૂજાબેન કહે છે કે આજે હું જે કઈ છું એનો બધો જ શ્રેય મારા માતાને જાય છે અને તેમના અથાક પુરુષાર્થથી આજે સીએની પરીક્ષાના પરિણામમાં ઉત્તીર્ણ જાહેર થતા તેમની ખુશીની કોઈ સીમા રહી નથી.

માતાએ પેટે પાટા બાંધી પારકા કામો કર્યા તો સામે છેડે પુત્રીએ પણ કપરો સંઘર્ષ કરીને સીએ બનીને જ્વલંત સિદ્ધિ મેળવી

ધો.12 પછી સીએ સુધી ઘરમાંથી એક રૂપિયો પણ લીધો નથી

ધો.12 પછી તેઓ પણ એટલા શિક્ષિત બની ગયા હતા કે નોકરી કરી શકે એમ હતા.આથી માતાને કે પરિવારને બોજારૂપ ન બને તે માટે ખાનગીમાં જોબ કરતા હતા. ધો.12 પછી છ કલાકની એકાઉન્ટ તરીકે નોકરી કરી છ કલાક શિક્ષણ એમ સખત 12 કલાકથી પણ વધુ મહેનત કરીને બી.કોમ કર્યું હતું. જો કે તેમનો શરૂઆતથી જ ધો.12 પછી જ સીએ કરવાનો ગોલ નક્કી હતો. પણ પિતાની આવક એટલી બધી ન હતી કે સીએ જેવી પરીક્ષાનો ખર્ચ ઉઠાવી શકે. આથી પહેલા નોકરી કરતા કરતા બી.કોમ કર્યું અને બી કોમ કરતા કરતા નોકરીમાં તેઓએ સીએની પરીક્ષાનો ખર્ચ ઉઠાવી શકે એટલું બધું સેવીગ કરી લીધું હતું. આ સેવીગથી જ સીએ કર્યું હતું. એટલે ધો.12 પછી સીએ સુધી ઘરમાંથી એકપણ રૂપિયો ન લઈને સ્વનિભર બનીને જ અઘરામાં અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી છે.

પુરુષ પ્રધાન સમાજમાં હજુ પણ દીકરીઓને ભણાવવા પ્રત્યેની રૂઢી ન બદલાઈ

આજના પુરુષ પ્રધાન સમાજમાં હજુ પણ દીકરીઓને ભણવા માટે જૂની રૂઢીઓનો શિકાર બનવું પડે છે. આવી જ સમસ્યા પૂજાબેન સામે પણ આવી હતી. તેઓ ધો. 12 પાસ થયા બાદ ઘરમાં તેમના લગ્ન કરવાની વાતો થવા માંડી અને દીકરી વધુ ભણે એના કરતાં લગ્ન કરીને ઠરીઠામ થઈ જાય એ સમાજનો નિયમ હોવાનું જડ વલણ તેમની સામે આવ્યું હતું. આથી તેમની મોટી બહેનના વહેલા લગ્ન થઈ ગયા હતા. પણ પૂજાબેનને ભણવાની ખૂબ જ ધગશ છે.એટલે જ શરૂઆતથી તેઓ ભણવામાં તેજસ્વી રહ્યા છે. આથી તેઓ સમાજની જૂની રૂઢી સામે તાબે ન થયા અને તેબો મક્કમતાથી સામનો કરી ઉચ્ચ શિક્ષણ મેળવીને રહ્યા.
 

માતાએ પેટે પાટા બાંધી પારકા કામો કર્યા તો સામે છેડે પુત્રીએ પણ કપરો સંઘર્ષ કરીને સીએ બનીને જ્વલંત સિદ્ધિ મેળવી

હું પણ  ફેલ થઈ છું પણ હિંમત ક્યારેય ન હારી

પૂજાબેને કહ્યું હતું કે, યુપીએસસી, જીપીએસસી જેવી સીએની પરીક્ષા ઘણી અઘરી છે. એટલી બધી અઘરી છે કે, પરીક્ષા માટે બધું જ તૈયાર કરતા કરતા મગજ ભમી જાય. એટલે મનને પહેલેથી બધી રીતે તૈયાર રાખવું પડે. આથી હું પણ સીએની પરીક્ષામાં બે ત્રણ વખત ફેઈલ થઈ છું.પણ એનાથી નાસીપાસ થઈ નથી અને હિંમત ક્યારેય હારી નથી. અને સીએ જેવી પરીક્ષા માટે કોચિંગ કલાસ રાખવા જરૂરી હોવા છતાં મેં વગર ટ્યુશને છ વર્ષ સુધી લગાતાર આકરી મહેનત કરીને ધારી સફળતા મેળવી છે.