ગ્રામ પંચાયતના સભ્ય ઉપર છરી વડે હુમલો, તેમજ સામે પક્ષે ઘર પાસે મોબાઈલ ઉભો કરવો છે કહી પંચાયતના સભ્યના પુત્ર સહિતનાઓએ માર માર્યાની પણ ફરિયાદ
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામના ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્ય ઉપર ગામના જ એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. સામાપક્ષે ગ્રામ પંચાયતના સભ્યના બે પુત્ર સહિતના આરોપીઓ વિરુદ્ધ પણ હુમલો કરવા અંગેની ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ગૌતમભાઈ ભલાભાઈ સારેસાએ આરોપી અશોક જીવાભાઈ ચાવડા, પ્રિન્સ અશોકભાઈ ચાવડા, રોહિત પ્રેમજીભાઈ ચાવડા અને હાર્દિક નરેશભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી વિરપર ગામના બસસ્ટેશન પાસે હતા ત્યારે આરોપીઓ ત્યાં કાર લઈને ધસી આવ્યા હતા અને તારા ઘર પાસે મોબાઈલ ટાવર ઉભો કરવો છે કહી ધારીયું, પાઇપ તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે લજાઈ ગ્રામ પંચાયતના સભ્ય હસમુખભાઈ લાલજીભાઈ ચાવડાએ આરોપી ગૌતમભાઈ ભલાભાઈ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યુ હતું કે, તેઓ ગામના સ્મશાન પાસે હતા ત્યારે આરોપીએ કહ્યું હતું કે, તારો સાહેબ કોણ જેથી હસમુખભાઈએ કહ્યું હતું કે, ગ્રામ પંચાયત જઈને પૂછી જો જો, જેથી આરોપીને સારું નહીં લાગતા છરી વડે હુમલો કરી સાથળના ભાગે છરી મારી દીધી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.