Sunday - Apr 26, 2026

વાઘજી ઠાકોરનો આધુનિકતાનો પાયો લોકશાહીમાં મજબૂત બન્યો હોત તો આજે મોરબી મેગા સીટીથી કમ ન હોત

વાઘજી ઠાકોરનો આધુનિકતાનો પાયો લોકશાહીમાં મજબૂત બન્યો હોત તો આજે મોરબી મેગા સીટીથી કમ ન હોત

મોરબીના  રાજવી સર વાઘજી ઠાકોર બાપુમાં એક પ્રજા વત્સલ રાજવીના ઉમદા ગુણ અને દીર્ઘદ્રષ્ટિ હોવાના કારણે આજે પણ મોરબીવાસીઓ એમને સાચા દિલથી યાદ કરે છે.  આ રાજવી વાઘજી ઠાકોરે મોરબીની પ્રજાના હિતમાં રેલવે, એરોડ્રામ, સહિતની અનેક પ્રજાલક્ષી સુવિધાઓ આપી હતી. જેમાં મહત્વની બાબત એ છે એમના સમય દરમિયાન આધુનિક ટેકનોલોજીનો ઉદય પણ થયો ન હતો, આમ છતાં દીર્ઘદષ્ટા વાઘજી ઠાકોરે તે સમયે મોરબીને આધુનિક બનાવીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જયારે રાજાશાહીના અંત પછી લોકશાહીનો ઉદય થયો પણ ત્યારબાદના દરેક શાસકો માત્ર અંગત હિત માટે કામ કરતા હોવાથી નવી સુવિધાઓ આપવાની વાત બાજુએ રહી પણ આ પ્રજા વત્સલ રાજવીએ આપેલી અનમોલ સુવિધાઓનું જતન ન કરી શકતા અનેક સુવિધાઓને અભાવે મોરબીની જનતા પીડાઈ રહી છે.

વાઘજી ઠાકોરે માત્ર 13 વર્ષની વયે વર્ષ 1870માં મોરબીની રાજગાદી સંભાળી હતી

રાજવી રવાજી ઠાકોર પછી તેમના પાટવી કુંવર વાઘજી ઠાકોર માત્ર 13 વર્ષની વયે વર્ષ 1870માં મોરબીની રાજગાદીએ બિરાજ્યા હતા. વાઘજી ઠાકોર બાપુ નાનપણથી બહાદુર હતા અને તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. કોલેજ દરમિયાન તેમણે અનેક સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લઈને શાનદાર દેખાવ કર્યો હતો. તેમનામાં વારસાગત મોરબીના હિત માટે એક સારા પ્રજા વત્સલ રાજવીના ગુણો ઉતર્યા હોય એમ એ ગુણોને સાર્થક કરી મોરબીની પ્રજાના હિતમાં અનેક પ્રજાલક્ષી કામો કર્યા હતા. રેલવે, એરપોર્ટ, શિક્ષણ, હેગીગ ઝુલા સમાન ઝૂલતાપૂલ, નહેરુ ગેઇટ, ગ્રીન ટાવર, મણીમંદિર, સુંદર બાગ બગીચા, મચ્છુ નદી ઉપર અવરજવર માટે પાડાપુલ, બજારો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

સોરાષ્ટ્માં સૌપ્રથમ મોરબીને રેલવે સેવા આપવામાં સિંહફાળો

રાજવીએ ખાસ કરીને તેમને બ્રિટનની મુલાકાત લઈને ત્યાંના જેવી સુવિધાઓ મોરબીમાં ઉપલબ્ધ કરવા માટે ભારે કમર કસી હતી. મોરબીની વચ્ચોવચ પાડાપુલ અને ઝૂલતા પૂલ બંધાવ્યો હતો અને મણિ મંદિર જેવી અમરકૃતિ મોરબીવાસીઓને ભેટમાં આપી છે. સોરાષ્ટ્માં સૌપ્રથમ મોરબી રેલવે સેવા ઉપલબ્ધ કરવામાં પણ તેમનો સિંહફાળો છે. વાઘજી ઠાકોર બાપુએ વર્ષ 1870થી 1920ના તેમના કાર્યકાળ દરમિયાન મોરબીમાં અનેક પ્રકારની સુવિધાઓ આપીને મોરબીને સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઉપમા અપાવી હતી.

વાઘજી ઠાકોર બાપુ ભગવાનની જેમ પૂજાય છે

એક માન્યતા અનુસાર વાઘજી ઠાકોર બાપુને લોકો ભગવાનની જેમ પૂજતા હતા અને આજે પણ તેમની પ્રતિમા અખંડિત સ્થાયી થયેલી છે. ત્યાં લોકો શ્રીફળ વધેરી માનતા પુરી કરે છે. સૌથી વધુ મહત્વની બાબત એ છે કે વાઘજી ઠાકોરના કાર્યકાળ દરમિયાન અંગ્રેજી હુકુમતનું શાસન હતું. તે વખતે વિદેશોમાં હજુ ટેકનોલોજી પા પા પગલી કરી રહી હતી અને ભારતમાં તો ટેકનોલોજીનું નામો નિશાન જ ન હતું. આવા સમયે વાઘજી ઠાકોર બાપુએ મોરબીને આધુનિક બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.

'આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા'

મોરબીની હાલની ગંભીર સ્થિતિ અંગે સામાજિક કાર્યકર સતીષ કાનાબાર કહે છે કે, મોરબી જિલ્લો હોવા છતાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સૌથી મોટી ગણાતી મોરબી પાલિકામાં આઝાદીથી અત્યાર સુધીમાં અમૂકના અપવાદને બાદ કરતા ભાજપ કોંગ્રેસના મોટાભાગના શાસકોએ ક્યારેય લોકોનું ભલું કર્યું હોય એવી એકપણ બાબત સામે નથી. નગરપાલિકામાં અત્યાર સુધીમાં આવેલા ચડ ઉત્તર મુજબ ક્યારેક  કોંગ્રેસ તો ક્યારેક ભાજપ સતા સ્થાને હોય પણ આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાને યથાર્થ ઠેરવી ભાજપ કે કોંગ્રેસના શાસકો એટલું જ નહીં કાઉન્સિલરોએ માત્ર પોતાનું અંગત હિત ઇચ્છયુ હોય એની મોરબીમાં જ્યાં જુઓ ત્યાં ખડકાયેલા સમસ્યાઓના ગંજ સાબિતી આપી રહ્યા છે. એટલે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે, રાજવીએ નાખેલો આ પાયો જો લોકશાહીમાં મજબૂત બન્યો હોત તો આજે મોરબી એક મેટ્રોસિટીથી કમ ન હોત!