Thursday - Feb 12, 2026

રાજકોટ, અમદાવાદમાં 24 કલાક દવા આપવાની સેવા ચાલુ રહેતી હોય તો મોરબીની સિવિલમાં કેમ નહિ ?

રાજકોટ, અમદાવાદમાં 24 કલાક દવા આપવાની સેવા ચાલુ રહેતી હોય તો મોરબીની સિવિલમાં કેમ નહિ ?

જિલ્લા કક્ષાની સૌથી મોટી હોસ્પિટલમાં રાત્રે દવા બારી બંધ અને નાઈટ ડયુટીમાં માત્ર બે નર્સિંગ સ્ટાફ અને એક મેડિકલ ઓફિસર ફરજ પર હોવાથી ઇમરજન્સી દર્દીઓની કફોડી સ્થિતિ

મોરબી : આજના હાઈટેક યુગમાં એકદમ ઝડપી અને તુરંત સેવાની જરૂરિયાત હોવાથી તમામ પ્રકારની મેડિકલ સેવા રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં 24 કલાક ચાલુ રહેતી હોય અને 24 કલાક મેડિકલ સ્ટોર પણ ચાલુ રહેતા હોય તો હજારો દર્દીઓ માટે મહત્વપૂર્ણ મોરબી જિલ્લાની સૌથી મોટી એકમાત્ર જિલ્લા કક્ષાની મોરબી સિવિલ હોસ્પિટલમાં કેમ નહિ ? મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રે દવા બારી ચાલુ જ રહેતી જ નથી. જેના કારણે આવડા મોટા જિલ્લામાંથી રાત્રે ગંભીર અકસ્માત, હાર્ટ એટેક, મારામારી કે કોઈપણ જાતના ઇમરજન્સી દર્દીઓ આવે તો તેમની જરૂરી દવાના અભાવે કેવી હાલત થાય તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ ઉપરાંત નાઈટ ડ્યુટીમાં સ્ટાફ પણ ઘણો જ ઓછો છે. નાઈટ ડયુટીમાં માત્ર બે નર્સિંગ સ્ટાફ અને એક મેડિકલ ઓફિસર ફરજ પર હોવાથી ઇમરજન્સી દર્દીઓની કફોડી સ્થિતિ સર્જાઈ છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન પણ દવા બારી ખુલ્લી રાખવા તથા નર્સિંગ સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા વધારવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી જીલ્લા કલેકટર, મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ, સિવિલ હોસ્પિટલના ડીન તથા જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે. રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારો તથા ગામડામાંથી અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.પરંતુ રાત્રિ દરમિયાન સિવિલના ઇમરજન્સી વોર્ડમાં અકસ્માત, મારામારી, હાર્ટ એટેક સહિતના ઘણા ગંભીર કેસો આવતાં હોય એની સામે હાલની પરિસ્થિતિ મુજબ રાત્રિ ડયુટીમાં માત્ર બે નર્સિંગ સ્ટાફ અને એક મેડિકલ ઓફિસર ફરજ પર હોય આ ખૂબ જ અપૂરતો સ્ટાફ ઇમરજન્સી દર્દીઓની સારવારમાં પહોંચી વળી શકતો ન હોવાથી ઇમરજન્સી દર્દીઓના જીવ ઉપર જોખમ રહે છે. મોરબી જિલ્લો હોય હજારો દર્દીઓ માટે આ સિવિલ હોસ્પિટલ મહત્વની હોવાથી રાત્રે ઇમરજન્સી દર્દીઓની તાત્કાલિક સેવા માટે કમસેકમ ત્રણ ચાર નિષ્ણાત તબીબો અને સ્ટાફ પણ ઘણો હોવો જોઈએ. એના આવડી મોટી હોસ્પિટલ રાત્રે એકમાત્ર મેડિકલ ઓફિસરથી જ ચાલે એ કેટલું શરમજનક કહેવાય. આથી ખૂબદ જ ઓછા સ્ટાફને ર્દીઓની સંખ્યાને અનુરૂપ યોગ્ય રીતે સારવાર કરવી મુશ્કેલ બને છે. રાત્રિના સમયે દવાબારી બંધ રહેતી હોવાને કારણે ઇમરજન્સી દર્દીઓને તાત્કાલિક જરૂરી દવાઓ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઘણીવાર દર્દીઓ અથવા તેમના સગાઓને બહારથી દવા લાવવી પડે છે. જે ઇમરજન્સી પરિસ્થિતિમાં જોખમી સાબિત થઇ શકે છે. જો દવાબારી 24 કલાક ખુલ્લી રાખવામાં આવે અને દિવસ દરમિયાન કાર્યરત સ્ટાફમાંથી એક-બે કર્મચારી રાત્રિ પાળી માટે નિયુકત કરવામાં આવે તો દર્દીઓને તાત્કાલિક સારવાર અને દવાઓ ઉપલબ્ધ થઇ શકે. વધુમાં રાત્રિના સમયે કેટલાક અસામાજીક તત્વો દ્રારા હોસ્પિટલમાં અવ્યવસ્થા સર્જાતી હોવાના બનાવો પણ બનતા રહે છે. જેના કારણે ફરજ પરના નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની સુરક્ષા અંગે ચિંતા ઉભી થાય છે. તેથી રાત્રિ દરમ્યાન નર્સિંગ સ્ટાફમાં વધારો કરવા સાથે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા (સિકયુરિટી ગાર્ડ વગેરે) પણ સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.તેમ તેમણે જણાવ્યું છે.