Saturday - May 02, 2026

મોરબીમાં કાલે રવિવારે 'પ્રથમ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ" હેઠળ યુવાનોનું વૈચારિક મંથન

મોરબીમાં કાલે રવિવારે 'પ્રથમ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ

'જવાબદાર યુવાઓ, યશસ્વી સૌરાષ્ટ્ર - સંકલ્પથી સિદ્ધિ સુધી'ની થીમ હેઠળ તેજસ્વી યુવાનો સમાજ અને દેશના હિતમાં યુવાનોના યોગદાન વિશે કરશે મંથન

મોરબી : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ યુવા શક્તિનું કાવ્યાત્મક રૂપમાં આલેખન કર્યું છે કે, "ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદિઠેલી ભોમ પર યૌવન માંડે આંખ" એમ યુવાનો સમાજ, દેશ અને દુનિયાની સિકલ બદલી શકે એવું શક્તિ સામર્થ્ય ધરાવે છે. તેમને જરૂર છે તો સાચા રાહબરની. આથી મોરબીના ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાન સંસ્થાએ યુવાનોમાં રહેલી સુશપ્ત શક્તિઓને જાગૃત કરી એ શક્તિઓથી દેશ અને સમાજના વિકાસમાં માટે કેવી રીતે યોગદાન આપી શકય તેના વૈચારિક મનોમંથન માટે મોકળું મંચ પૂરું પાડવામાં આવ્યું છે. જેમાં મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે રવિવારે તા. 22 માર્ચ 2026ના રોજ શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતે '1st સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ અને સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત '1st સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ'ની થીમ 'જવાબદાર યુવાઓ, યશસ્વી સૌરાષ્ટ્ર - સંકલ્પથી સિદ્ધિ સુધી' રાખવામાં આવી છે. આ મીટ વિશે વિસ્તૃત માહિતી આપતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, આ મીટનો  મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન  સાથે ભારતની મહાન 5 હજાર વર્ષ પુરાણી ગૌરવશાળી સંસ્કૃતિ અને સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા માટે જાગૃત કરવાનો છે.  યુવાવય એટલે મોજમસ્તી જ નહીં પણ પોતાના ઉજ્જવળ ભવિષ્ય સાથે દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે. એકંદરે યુવાનોના મનમાંથી નકારાત્મકના અંધકારને દૂર કરી સકારાત્મકની ઉર્જાનો સંચાર કરવા માટે વૈચારિક મનોમંથન કરાશે. એક વિચારવાન, સક્રિય અને જાગૃત યુવા વર્ગ ઊભો થાય તેવા ઉમદા આશયથી આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાનોમાં સાચી નેતૃત્વ ક્ષમતા ખીલે, રાષ્ટ્ર પ્રત્યેની પોતાની શું જવાબદારી છે તેનું ભાન થાય અને રાષ્ટ્રીય ચેતના જાગૃત થાય તે માટે આ વિશેષ મહામંથન યોજાશે.

મોરબીમાં કાલે રવિવારે 'પ્રથમ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ

આ મીટ માત્ર કોઈ સામાન્ય કાર્યક્રમ નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા યુવાનો એકસાથે ભેગા મળીને પોતાના વિચારોનું એકબીજા સાથે આદાન-પ્રદાન કરશે. અહીં સમાજ અને રાષ્ટ્રને સ્પર્શતા વિવિધ વિષયો પર મંથન થશે અને નવા આઇડિયાઝ પર ચર્ચા કરવામાં આવશે. સૌરાષ્ટ્રના યુવાનો એક મંચ પર આવીને ભવિષ્યના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન મેળવશે.

જે પણ યુવાનો આ 1st સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટમાં જોડાઈને આ વૈચારિક મહાકુંભમાં ભાગ લેવા માંગતા હોય, તેઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા એકદમ સરળ છે. આ માટે નીચે દર્શાવવામાં આવેલ QR કોડને પોતાના મોબાઈલથી સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. સૌરાષ્ટ્રના તમામ યુવાનોને આ કાર્યક્રમનો લાભ લેવા અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું છે.