મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી
મોરબી : મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા રમજાન માસમાં અબાલ વૃદ્ધ સહિત મોટાભાગના લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરે છે. જો કે ઘણા બાળકો સ્વૈચ્છિક રીતે અલ્લાહની ઈબાદત કરવા એકાદ બે દિવસના રોજા રાખતા હોય છે. પણ મોરબીમાં ત્રણ ભૂલકાઓએ રમજાન માસના ત્રીસે ત્રીસ રોજા પુરા કર્યા છે. જેમાં મોરબીમાં રહેતા જેનબ અસરફભાઈ પાયક ઉ.વ.6, મોહમ્મદ કાસિમ અશરફભાઈ પાયક ઉ.વ.8, અદનાન સલીમભાઈ ભુવડ ઉ.વ.10 એ રમજાન માસના 30 રોજા પૂરા કરી ખુદાની ઈબાદત કરી પરિવાર તેમજ દેશમાં અમનની દુઆ કરી હતી.
મોરબીમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર તહેવારની શાનો શોકત અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરની તમામ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં હાજર રહીને અલ્લાહની બારગાહમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કર્યું હતું. શહેરની જુમ્મા મસ્જિદથી શહેર ખતીબ રસીદ મીયા બાપુની સરપરસ્તી હેઠળ શાનદાર ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો ગ્રીન ચોક, નેહરુ ગેટ રોડ અને સરદાર રોડ થઈને જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઈદગાહે પહોંચ્યું હતું. અહીં શહેર ખતીબ રસીદ મીયા બાપુ કાદરીએ ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરાવી હતી. મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.