Saturday - May 02, 2026

"હવે તમને જીવવા નહિ દઉં, હું નહિ મારુ તો બીજા દ્વારા મરાવી નાખીશ" કહી કપાતરે માતાને ધમકી આપી

મોરબીના ઘુંટુમા માતાને છરી બતાવી ગાળો ભાંડતા કપાતર પુત્ર પર ફિટકારની લાગણી વરસી

મોરબી :  જેના ઉછેર અને લાલન -પાલનમાં માતાએ કોઈ કસર બાકી ન રાખી પોતાની જાતને ઘસી નાખી હોય એ પુત્ર જ્યારે મોટો થઈને કપાતર નીકળે ત્યારે માતાની મનોસ્થિતિની કેવી થતી હશે એની કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાય છે. આવી જ રીતે મોરબીમાં કપાતરે પોતાના લક્ષણ ઝળકાવીને માતાનું જીવવું હરામ કરી દેતા માતાનું હૈયું હચમચી ઉઠ્યું છે. જેમાં મોરબીના ઘુંટુ ગામે રામનગરી વિસ્તારમાં રહેતા મહિલાને એકના એક પુત્રએ ગંદી ગાળો આપી હવે જીવવા નહિ દઉં કા હું મારી નાખીશ કા બીજા મારફતે મરાવી નાખીશ કહી છરી બતાવી ધમકી આપતા બનાવ અંગે માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના ઘુંટુ ગામે રામનગરી વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન પ્રેમજીભાઈ ગોહિલ ઉ.વ.47 નામના મહિલાએ પોતાના જ સગા પુત્ર રોહિત પ્રેમજીભાઈ ગોહિલ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.19ના રોજ રાત્રીના સમયે તેઓ તેમના જેઠના ઘેરથી પરત પોતાના ઘેર આવ્યા ત્યારે ઘેર તાળું મારેલ હોય બહાર બેઠા હતા.આ સમયે તેમનો પુત્ર રોહિત આવ્યો હતો અને કહ્યું હતું કે, હવે તમને જીવવા નહિ દઉં, હું નહિ મારુ તો બીજા દ્વારા મરાવી નાખીશ કહી ગાળો આપવા લાગતા પાડોશીઓ આવી જતા રોહિત જતો રહ્યો હતો.બાદમાં સુમિત્રાબેન તેમના પિતાના ઘેર જતા રહ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ મથકમાં આવી પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.