મોરબીના લક્ષ્મીનગર ગામની સીમ વિસ્તારમાં નીલ ગાય કે રોઝડાનો શિકાર કરી તેની મિજબાની માણવામાં આવતી હોવાની વન વિભાગને બાતમી મળી હતી અને તેના આધારે વન વિભાગે તપાસ કરી હતી અને 7 શખ્સને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ વન અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં વન્ય પ્રાણીઓના કોઈ પણ પ્રકારની કનડગતની પ્રવૃત્તિ ન થાય અથવા તેમના ગેરકાયદે શિકારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવાના ડીસીએફ ચિરાગ અમીન અને એસીએફ ચિરાગ દાફડાની સુચના આધારે મોરબી રેન્જ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કામગીરી અંતર્ગત મોરબીના રેંજ ફોરેસ્ટ વિભાગની ટીમના અધિકારીઓને બાતમી મળી હતી કે લક્ષ્મીનગર ગમની હદમાં એક શિકારી ટોળકી આવી હોય અને રાત્રીના ફાયરિંગના અવાજ સંભળાતા હોય છે. બાતમીના આધારે ફોરેસ્ટની ટીમે વોચ ગોઠવી હતી તેમજ અલગ અલગ વિસ્તારમાં ગુપ્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમ્યાન 7 શખ્સ મળી આવ્યા હતા અને તેમણે પૂછપરછ દરમિયાન નીલગાયનો શિકાર કર્યાની અને રાંધીને મિજબાની માણી હોવાની કબુલાત આપતા ફોરેસ્ટ ટીમે રમજાન સમતાણી, સિરાજ સમતાણી, મનસુર સમતાણી, ઈબ્રાહીમ કટીયા, આશિક માણેક,અબ્બાસ માણેક, ઈશાક કટીયાની અટકાયત કરી હતી. વન વિભાગે આરોપીઓ પાસેથી એક બંદુક કાર,બે બાઈક, બોલેરો સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ આરોપીઓને 7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.