Wednesday - Jun 24, 2026

જેતપર ખેડૂત આંદોલનને જિલ્લાભરના ખેડૂતોનું પ્રચડ સમર્થન

જેતપર ખેડૂત આંદોલનને જિલ્લાભરના ખેડૂતોનું પ્રચડ સમર્થન

મોરબીના સતવારા સમાજના મોટી સંખ્યામાં ખેડૂતો અને ટંકારા તાલુકાના 43 ગામોએ સમર્થન આપી ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વિના ખાનગી કંપનીઓ દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરી સામે રોષ વ્યક્ત કરાયો

મોરબી : મોરબી જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહેલી હેવી વીજ લાઇન અને ખેડૂતોને અપાતા અપૂરતા વળતરનો મામલો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. મોરબી તાલુકાના જેતપર ગામે વીજ લાઇનના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે ટંકારા તાલુકાના 43 ગામોનું પ્રતિનિધિત્વ કરતા ટંકારા તાલુકા સરપંચ એસોસિએશનનું વ્યાપક સમર્થન મળ્યું છે. આ અંગે એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ખેડૂતોને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી છે.
 

જેતપર ખેડૂત આંદોલનને જિલ્લાભરના ખેડૂતોનું પ્રચડ સમર્થન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પાઠવવામાં આવેલા પત્રમાં ટંકારા તાલુકા સરપંચ એસોસિએશને જણાવ્યું છે કે, હાલ મોરબી જિલ્લા તેમજ ટંકારા તાલુકામાંથી અનેક હેવી વીજ લાઇનના કામો પસાર થઈ રહ્યા છે. આ વીજ લાઇન નાખતી ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને કોઈ પણ જાતનું યોગ્ય વળતર આપ્યા વિના જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ કંપનીઓ દ્વારા જે વળતર આપવાની વાત કરવામાં આવી રહી છે તે ખૂબ જ ઓછું છે. ખેડૂતોની જમીનમાં પૂરતું વળતર ચૂકવ્યા વિના વીજ પોલ ઊભા કરવા એ એક પ્રકારની દાદાગીરી સમાન છે.

પત્રમાં વધુમાં જણાવ્યા અનુસાર, મોરબી તાલુકાના જેતપર ગામે યોગ્ય વળતર મેળવવા બાબતે ખેડૂતો દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તેને ટંકારા તાલુકા સરપંચ એસોસિએશન સંપૂર્ણ સમર્થન જાહેર કરે છે. ખેડૂતોના હિતમાં જ્યાં સુધી યોગ્ય વળતર ન ચૂકવાય ત્યાં સુધી આ હેવી વીજ લાઇન નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી પત્રના અંતમાં કરવામાં આવી છે.