સીરામીક નગરીની ઉદ્યોગશક્તિને નવી દિશા આપવા ઉત્પાદન, ટેકનોલોજી, નિકાસ, રોજગાર અને ઊર્જા જેવા પાયાના મુદ્દાઓ પર રાઉન્ડ ટેબલ ચર્ચા
મોરબી : ‘વિકસિત ભારત @2047’ના નિર્માણમાં મોરબીની MSME આધારિત ઔદ્યોગિક શક્તિ કઈ રીતે વધુ અસરકારક યોગદાન આપી શકે તે અંગે 10 ઓક્ટોબરના રોજ મોરબી બિઝનેસ એસોસિએશન કોન્ફરન્સ હોલ ખાતે બપોરે 2:30થી સાંજે 5:30 વાગ્યા સુધી રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાશે. ચર્ચામાં ખાસ કરીને સીરામીક નગરી તરીકે મોરબીની ઓળખને વધુ મજબૂત બનાવવા માટે આગામી વર્ષોમાં જરૂરી ઔદ્યોગિક વિકાસની દિશા અંગે વિચારમંથન કરાશે. મોરબીના ઔદ્યોગિક અર્થતંત્રમાં સીરામીક સહિતના MSME એકમોની મહત્વની ભૂમિકા છે ત્યારે સ્થાનિક ઉદ્યોગોને માત્ર ઉત્પાદનના કેન્દ્ર તરીકે નહીં, પરંતુ ટેકનોલોજી, ગુણવત્તા, નિકાસ અને રોજગારીના વધુ સક્ષમ કેન્દ્ર તરીકે કેવી રીતે વિકસાવી શકાય તે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહેશે.
ઉધોગના વિકાસથી લઈ પર્યાવરણના જતનની પણ સમીક્ષા
ચર્ચામાં સીરામીક ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે આધુનિક ટેકનોલોજીનો સ્વીકાર, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ઊર્જા કાર્યક્ષમતા, પર્યાવરણલક્ષી ઉત્પાદન, કુશળ માનવબળ, સંશોધન-નવતરતા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મોરબીની હાજરી વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર મંથન કરાશે. આ ઉપરાંત MSME એકમોને નાણાકીય સહાય અને સરળ ધિરાણ, કૌશલ્ય વિકાસ, નવી પેઢીના ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન, સ્ટાર્ટઅપ સાથે ઉદ્યોગજગતનું જોડાણ, સ્થાનિક સપ્લાય ચેઇનનું વિસ્તરણ તથા નાના-મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરની ગુણવત્તા સાથે જોડવા જેવા મુદ્દાઓ પર વિચાર વિમર્શ થશે
વિકાસ સીરામીક પૂરતો જ સીમિત નહિ વિશાલ ફલકને આવરી લેવાશે.
મોરબીના ઔદ્યોગિક વિકાસને માત્ર સીરામીક પૂરતો સીમિત રાખવાને બદલે એન્જિનિયરિંગ, ઓટો પાર્ટ્સ, પેકેજિંગ, લોજિસ્ટિક્સ, નવી ઊર્જા અને અન્ય MSME ક્ષેત્રોના વિસ્તરણની શક્યતાઓ અંગે પણ દિશા નક્કી કરવાનો પ્રયાસ રહેશે. મોરબીમાં સર્જાતી ઔદ્યોગિક ક્ષમતા, રોજગારી અને નિકાસને આગામી બે દાયકામાં વધુ મોટા આર્થિક યોગદાનમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય તે અંગે નિષ્ણાતો અને ઉદ્યોગજગતના અગ્રણીઓ વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન થશે. રાઉન્ડ ટેબલ ચર્ચામાં વિયેતનામના રાષ્ટ્રપતિ તરફથી ‘FriendOrder of Vietnam’ એવોર્ડ પ્રાપ્તકર્તા શાંતનુ શ્રીવાસ્તવ તથા પુણેના એન્જલ ઇન્વેસ્ટર અને અટલ ઇનોવેશન મિશન સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ મેન્ટર આદિત્ય પિટ્ટી માર્ગદર્શન આપશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય ડો. (CA) અમિત સુથાર જોડાશે.