2018 થી ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાત પુરી પાડતું યુવા શક્તિ ફાઉન્ડેશન
મોરબી : મોરબીમાં અકસ્માત સહિત કોઈપણ ઇમરજન્સી વખતે દર્દીની લોહીની જરૂરિયાત પુરી પાડવા માટે વર્ષ 2018 થી યુવા શક્તિ ફાઉન્ડેશનની સ્થાના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનના અનેક રક્તદાતાઓએ ઇમરજન્સી સમયે અનેક દર્દીઓને લોહીનું દાનને તેમની અમૂલ્ય જિંદગી બચાવી છે. ત્યારે આ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આજે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની પંચાસર ચોકડી નજીક આવેલી સતવારા સમજની વાડી ખાતે લોકોની અમૂલ્ય જિંદગી બચાવનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા એક સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આજે સ્નેહમિલનના કાર્યક્રમમાં તેમના રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજા લોકોને પણ રક્તદાન કરવાની પ્રેરણા મળે તે માટે આ રક્તદાતાઆને સન્માનિત કરી તેમની તાત્કાલિક રક્તદાન કરવાની સેવાને બિરદાવી હતી. આ તકે આ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, લોહીમાં છે માનવતા. અર્થાત રક્તદાનથી અમૂલ્ય જિંદગી બચી શકે છે. તેથી રક્તદાનથી કોઈ મોટી માનવતા નથી. આથી યુવા શક્તિ ફાઉન્ડેશન 2018થી મોરબીમાં રક્તદાન મામલે સૌથી વિશેષ સેવા આપે છે. કોઈપણ દર્દીને અકસ્માત કે બીમારી સમયે લોહીની જરૂર પડે તો આ સંસ્થાના રક્તદાતા હમેશા ખડેપગે રહે છે. અગાઉ મોરબીમાં અકસ્માત કે બીમારી વખતે લોહીની જરૂર પડે ત્યારે તેમના સગા વ્હાલાને તનતોડ પ્રયાસો કરવા પડતા, આમ છતાં ઘણા કિસ્સામાં લોહીની સગવડ થતી પણ નહોતી. ખાસ કરીને બહાર ગામના દર્દીઓ મોરબીની હોસ્પિટલમાં આવ્યા હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ ઉદભવતી હોય ભારે હેરાનગતિ થતી. આથી આવા લોકોને હેરાન ન થવું પડે તેવા ઉદ્દેશ સાથે આ સંસ્થાની રચના કરવામાં આવી ત્યારે શરૂઆતમાં આ સંસ્થાનું યુવા આર્મી ગ્રૂપ નામ રખાયું હતું. હવે તે બદલીને યુવા શક્તિ ફાઉન્ડેશન રખાયું છે. ફક્ત નં બદલાયું છે. પણ કાર્ય પ્રવૃત્તિ તો રક્તદાનની જ રહી છે. આ સંસ્થા મોરબી ઉપરાંત રાજકોટ, અમદાવાદ સહિતના સ્થળે રક્તદાનની સેવા આપે છે. ખાસ કરીને અકસ્માત કે પ્રસુતિ તેમજ અન્ય કોઈપણ બીમારી દરમિયાન તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઉભી થાય તો આ સંસ્થાના કાર્યકરો તાકીદે સિવિલ હોસ્પિટલમાં તેમજ બ્લડ બેંકે પહોંચી રક્તદાન કરી લોકોની મહામૂલી જિંદગી બચાવે છે. જ્યારે કોરોના કાળ દરમિયાન અને ઝૂલતાપુલ દુર્ઘટના વખતે લોહીની ભારે જરૂરિયાત ઉભી થતા આ સંસ્થા દ્વારા લોહીની જરૂરિયાત પુરી પાડવામાં આવી હતી.