Saturday - May 02, 2026

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની એકતા માટે આજે સાંજે ઐતિહાસિક મહામિલન બેઠક

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની એકતા માટે આજે સાંજે ઐતિહાસિક મહામિલન બેઠક

મોરબી : મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ સુદ્રઢ બનાવવા માટે આજે એક મહત્વપૂર્ણ અને વિશાળ મહામિલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રબારી-ભરવાડ સમાજ એકતા સમિતિ, મોરબી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બંને સમાજના વડીલો, આગેવાનો, મોભીઓ અને ખાસ કરીને યુવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે.

વર્તમાન સમયમાં સમાજના સર્વાંગી વિકાસ અને હિત માટે સંગઠન ખૂબ જ જરૂરી છે. "એકલા ચાલશો તો કદાચ ઝડપથી પહોંચી જશો, પણ સાથે મળીને ચાલશો તો દૂર સુધી અને મજબૂતીથી પહોંચશો" એવા ઉમદા વિચાર સાથે બંને સમાજના લોકો ખભેથી ખભો મિલાવીને એક મજબૂત અને અજેય સંગઠનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સમાજ એક થયો છે, ત્યારે મોટી શક્તિઓએ પણ મસ્તક નમાવ્યું છે. આ જ ગૌરવશાળી ઇતિહાસને આગળ ધપાવવા મોરબીની પવિત્ર ધરતી પર આ સંગઠન બેઠકનું આયોજન કરાયું છે.

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની એકતા માટે આજે સાંજે ઐતિહાસિક મહામિલન બેઠક

આ કાર્યક્રમમાં યુવાનોને ખાસ અપીલ કરવામાં આવી છે. સમાજની એકતા અને ભવિષ્યની મજબૂત શરૂઆતમાં યુવાનોની હાજરી જ સૌથી મોટું યોગદાન ગણાવવામાં આવ્યું છે. આ માત્ર એક સામાન્ય કાર્યક્રમ નથી, પરંતુ સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને એકતાનો શંખનાદ છે. સંગઠનશક્તિ થકી જ આવતીકાલ ઘડાશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આજે 22 માર્ચ 2026, રવિવારના રોજ સાંજે 7:00 કલાકે મોરબીના મચ્છુ માતાજી મંદિરે આ કાર્યક્રમ યોજાશે. સંગઠનની પાયાની ઈંટ મૂકવા અને પરસ્પર સ્નેહ તથા વિશ્વાસ વધારવાના આ પ્રયાસના અંતે તમામ ઉપસ્થિત લોકો માટે 'તાવા પ્રસાદ' (સમૂહ ભોજન) ની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રસાદ ગ્રહણ કરવો એ પરંપરા, ભક્તિ અને એકતાનું પ્રતીક હોવાથી દરેક ભાઈઓને સમયસર અચૂક હાજરી આપવા રબારી-ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા જણાવાયું છે.