મોરબીના રવાપર રોડ ઉપર બે દિવસ પહેલા પુત્રને સ્કૂલ બસમાં બેસાડવા માટે જઈ રહેલી યુવતી પર ઓચિંતા હુમલા પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. જેમાં યુવતીએ ભાવનગરના એક શખ્સ સાથે પ્રેમ સંબંધ બંધાય બાદ કોઈ મુદ્દે તકરાર થતા બ્લોક કરી પ્રેમ સબંધ તોડી નાખતા રોષે ભરાયેલા તેણીના પૂર્વ પ્રેમી એ જ બે શખ્સોની મદદથી યુવતી ઉપર હુમલો કરાવ્યો હોવાનું બહાર આવતા યુવતીએ આ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર રોડ ઉપર પુત્ર સાથે રહેતી એક યુવતી ગત તા.7ના રોજ વહેલી સવારે બાપા સીતારામ ચોકમાં ચાંદની પાસે પોતાના પુત્રને સ્કૂલ બસમાં બેસાડવા જઈ રહી હોય ત્યારે ત્યાં ઓચિંતા જ ઘસી આવેલા બે અજાણ્યા શખ્સોએ યુવતી પર હુમલો કરી લાકડીઓ ફટકારતા તેઓને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન આ યુવતીએ પોલીસ સમક્ષ પોતાનું બ્યાન નોંધાવતા કહ્યું હતું કે વર્ષ 2012મા આ યુવતીના લગ્ન થયા બાદ પતિ સાથે મનમેળ ન થતા છૂટાછેડા થઈ જતા હાલમાં તેના 11 વર્ષના પુત્ર સાથે મોરબીમાં રહી એક ખાનગી સ્કૂલમાં ડાન્સ ટીચર તરીકે નોકરી કરીને પોતાનું અને દીકરાનું ભરણ પોષણ કરે છે. તે દરમિયાન આ યુવતીને ભાવનગર રહેતા વિજય બારૈયા સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ કોઈ બાબતે વાંધો પડતા આ શખ્સને બ્લોક કરીને સંબંધ તોડી નાખતા તેનો ખાર રાખી આ પૂર્વ પ્રેમીએ બે શખ્સોની મદદથી હુમલો કરાવ્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા હુમલા સમયે તેણીનો પૂર્વ પ્રેમી દેખાતા યુવતીની ફરિયાદ પરથી આરોપી વિજય તેમજ અજાણ્યા બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.