ખુલ્લી જગ્યામાં ગૌમાતા સાથે વિકૃત હરકત કરતો વીડિયો સામે આવતા રોષ ; હિન્દુ સંગઠનના અગ્રણીની ફરિયાદ બાદ ગુનો દાખલ
મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગામની સીમમાં આવેલા બાપા સીતારામ હોટલ નજીક ખુલ્લી જગ્યામાં એક વિકૃત શખ્સ ગૌમાતા સાથે દુષ્કૃત્ય કરી વિકૃત આનંદ માણતો હોવાનો વીડિયો સામે આવતા ભારે ચકચાર મચી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં તેમજ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં બાપા સીતારામ હોટલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ગત તા. 14 જુલાઈના રોજ બપોરના સમયે કોઈ શખ્સે ગૌમાતા સાથે વિકૃત હરકતો કરી અધમ કૃત્ય કર્યું હોવાનો વીડિયો સામે આવતા ગ્રામજનો અને હિન્દૂ સંગઠનો સહિત ગૌપ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ બનાવને પગલે હિન્દૂ સંગઠનોના આગેવાનો ગામે દોડી જઈને હિન્દૂ ધર્મ માટે પૂજનીય ગૌમાતા સાથે આવી અત્યંત શરમજનક કૃત્ય કરનાર નરાધમ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે આ ઘટનામાં આ અધમ કૃત્ય કરનાર કૈલાસ દોલારામ ગામેતી રહે રાજસ્થાનનું નામ સામે આવ્યું હતું. આ શખ્સે ગૌમાતા સાથે દુષ્કૃત્ય કર્યાનું સામે આવતા તેના પર ફિટકારની લાગણી વરસી છે. આથી આ ગંભીર બનાવ અંગે હિન્દુ સંગઠનના અગ્રણી સંદીપભાઈ રમેશભાઈ પારજીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી કૈલાસ દોલારામ ગામેતી વિરુદ્ધ ગુજરાત પશુ ક્રૂરતા અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે વાયરલ વીડિયો સહિતના સંયોગિક પુરાવા પોતાના કબજામાં લઈ તેની તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી સામે કડક કાર્યવાહી માટે તપાસ આગળ ધપાવવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.