કપાસ-મગફળીના પાકને મોટું નુકશાન, અનેક મકાનો અને માર્ગો તેમજ તળાવો ચેકડેમોને પણ ક્ષતિ પહોંચી
મોરબી જિલ્લામાં જન્માષ્ટમીથી પાંચ દિવસ સુધી મેઘતાંડવઃ સર્જાયું હતું. ભારે વરસાદથી અતિવૃષ્ટિ થવાથી મોટાપાયે નુકશાની થઈ હતી. મોરબી અને માળીયા પંથકમાં ખેતરોમાં ધોવાણ થતા કપાસ, મગફળી સહિતનો પાક નાશ પામ્યો હતો. આથી આ બધી જ નુકશાનીનું વળતર ચૂકવવાની સરકારમાં રજુઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કપાસ-મગફળીના પાકને મોટું નુકશાન, અનેક મકાનો અને માર્ગો તેમજ તળાવો ચેકડેમોને પણ ક્ષતિ પહોંચી છે. ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છે. ખેતરોમાં ત્રણ ફૂટથી પણ વધુ પાણી ભરાતા કપાસ, મગફળી સહિતનો પાક ડૂબી ગયો છે અને પાકને મોટું નુકશન થયું છે આ ઉપરાંત મોરબીના મચ્છુ ડેમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા માળીયા પંથકમાં તારાજી સર્જાઈ હતી અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. મકાનો પડવા અને ઘર વખરી તણાય ગઈ હતી. આ સહિત ઘણી બધી નુકશાની થઈ છે અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. માર્ગોનું ધોવાણ થતા હજુ પણ કેટલાક માર્ગો બંધ છે.તેથી આ બધી જ બાબતોનો સર્વે કરી નુકશાનીનું વળતર ચૂકવવાની માંગ કરી છે.