Saturday - May 04, 2024

100 વર્ષ જુના ગામની 2500ની વસ્તીને સિંચાઇના અભાવે ભારે મુશ્કેલી ટંકારાના નેસડા સુરજી ગામે વરસાદ થાય તો જ હરિભરી ખેતી માટે લાપસીના આધાણ મૂકી શકે

100 વર્ષ જુના ગામની 2500ની વસ્તીને સિંચાઇના અભાવે ભારે મુશ્કેલી

ટંકારાના નેસડા સુરજી ગામે વરસાદ થાય તો જ હરિભરી ખેતી માટે લાપસીના આધાણ મૂકી શકે

 ટંકારા તાલુકાનું નેસડા સુરજી ગામ મહત્વની સુવિધાઓ વિહોણુ હોવાથી આ ગામનો હજુ સુધી જોઈએ તેવો વિકાસ થયો નથી, સૌથી મહત્વની ખૂબી એ છે કે, ગામની ખેતી માટે સિંચાઇનો અભાવ હોય અને વરસાદ વરસે તો હરિભરી ખેતી માટે ગામલોકો લાપસીના આંધણ મૂકી શકે તેમ હોય છતાં ગામની 2500થી 3 હજારની વસ્તીએ ગામ ભાંગ્યું નથી અને શહેરીકરણ ન કરીને હજુ પણ ખેતી માટે મથીને સિંચાઇની વ્યવસ્થા કરવા સરકારને કાકલુદી કરી રહ્યા છે.

ટંકારાના નેસડા સુરજી ગામના સરપંચ ગંગાબેન કેશવજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 100 વર્ષ જુના આ ગામમાં વર્ષોથી ખેતી મુખ્ય વ્યવસાય હોવા છતાં સિંચાઇની ભારે અગવડતાને લીધે ખેતીને ટકાવી રાખવી મુશ્કેલ છે અને વરસાદ ન થાય તો ઉજ્જડ ખેતી બની જાય છે. બોરના પાણી કે વરસાદમાં ઘણીવાર એકથી દોઢ સિઝનનો પાક લઈ શકાય છે. પણ આટલો પાક ગ્રામજનોની આજીવિકા માટે પૂરતો નથી.પણ જ્યારે વરસાદ ન થાય ત્યારે હરિભરી ખેતીની કલ્પના કરવી મુશ્કેલ બને છે અને મુખ્ય સુવિધા સમાન આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ઇમરજન્સી કેસ વખતે ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. પ્રાથમિક શાળા, ગામના 80 ટકા રોડ રસ્તા અને ભૂગર્ભ 100 ટકા કંપલેટ અને હીરાપરના સંપમાંથી એકાતરા પાણી આવતું હોય પણ પાણી બધાને માફકસર પહોંચી જતું હોય પાણીની કોઈને તકલીફ નથી. કચરા માટે કોઈ વ્યવસ્થા ન હોય ગામલોકોએ જાતે જ સફાઈની વ્યવસ્થા કરી હોય તેમજ નેસડાને અન્ય ગામ સાથે જોડતા કલ્યાણપર, જોધપર ઝાલા, બંગાવડી, ઓટાળા, હીરાપરની સડક કાચી છે. એટલે આ બધા ગામોના રસ્તા બિસમાર હોવાથી ગ્રામજનો ભારે હેરાન થાય છે. આ માર્ગો તેમજ અન્ય મુખ્ય માર્ગોની હાલત ગંભીર હોવાની 10 વર્ષથી અરજી કરતા હોવ છતાં ગામની સડક મંજુર થઈ નથી.ગામના ચાર તળાવને ઊંડા ઉતારવાની માંગ કરી છે અને  ગામના ગેઇટ પાસે બેઠો પુલમાં ચોમાસામાં પુર જેવી સ્થિતિ સર્જાતી હોય એ નેસડા ગામ બેટમાં ફેરવાયને સંપર્ક વિહોણુ બની જાય છે. આથી આ બેઠા પુલને ઉંચો લેવાની વર્ષોની માંગ પેડિંગ હોવાથી ગામ ને ભારે હાલાકી થતી હોય છે.