Friday - Mar 21, 2025

આરોગ્ય કેન્દ્ર, સિંચાઇ સુવિધાની કમી અને શિક્ષણ વ્યવસ્થા પણ સ્ટાફના ઘટના કારણે અપુરતી

આરોગ્ય કેન્દ્ર, સિંચાઇ સુવિધાની કમી અને શિક્ષણ વ્યવસ્થા પણ સ્ટાફના ઘટના કારણે અપુરતી

વાંકાનેરના ચિત્રખડા ગામ તંત્રના અણઘડ આયોજનથી વિચિત્ર પાણી વિતરણ વ્યવસ્થાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આ ગામમાં જૂની વસ્તી એટલે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 1700ની વસ્તીને ધ્યાને લઈને પાણી વિતરણ કરાતું હોય પણ હાલ 2800ની વસ્તી હોય તમામ ગ્રામજનોને પાણી મળતું નથી. આથી અડધું ગામ બોરના મોરા પાણી ઉપર નિર્ભર છે. જ્યારે બાકીનું અડધું ગામ નર્મદાનું મીઠું પાણી પીએ છે. આથી હાલ 2800ની વસ્તી હોવા છતાં જૂની 1700ની વસ્તી મુજબ પાણી વિતરણથી અડધું ગામ પાણીથી વંચિત રહી જતું હોવાથી ભારે મુશ્કેલી થતી હોય નર્મદાની લાઈનમાં તમામ ગ્રામજનોને પાણી વિતરણ કરવાની માંગ કરી છે.

વાંકાનેરના ચિત્રખડા ગામના સરપંચ શાકુંબેન ડાભીએ જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઉપર આવેલ આ ગામ રાજાશાહી વખતનું જૂનું હોય હાલ વસ્તી 2800ની આસપાસ હોવા છતાં સરકારી ચોપડે 1700ની જૂની વસ્તી મુજબ બધા જ કાર્યો થાય છે.ખેતી છે. પણ સિંચાઇની સુવિધા ન હોવાથી વરસાદ આધારિત ખેતી છે. આરોગ્ય સુવિધા ન હોવાથી બીમારીમાં સારવાર માટે સાત કિમિ દૂર જવાની ફરજ પડે છે. પ્રાથમિક શાળા બે હોય એક શાળા સીમમાં ધો.5 સુધી અને બીજી ગામમાં ધો. 8 સુધીની શાળામાં શિક્ષકોની પણ ઘટ છે. જે પ્રમાણે કલાસ હોય એ મુજબ શિક્ષકો નથી.ગામના રસ્તા એક બે ત્રણ સારા હોય બાકીના કટકા માર્ગો છે અને અમુક જગ્યાએ ભૂગર્ભ ગટર હોય પણ મોટાભાગે પથરાળ જમીનને કારણે ભૂગર્ભ ગટર ન હોય લોકોએ સ્વખર્ચે પાઇપલાઈન બીછાવીને જ્યાં ભૂગર્ભ ગટર નીકળતી હોય ત્યાં સુધી પહોંચાડી છે.કચરાના નિકાલ માટે કોઈ વાહન ન હોવાથી દરેક ગ્રામજનો જાતે જ કચરાનો નિકાલ છે. આ ગામને જોડતા મેંદળાસર સાગધ્રા અને વિજરીયા ગાડા માર્ગ કાચા માર્ગો હોય તેને પાકા કરવાની માંગ છે. વાંકાનેર તાલુકાનું છેલ્લું ગામ હોવાથી, તળાવમાં પાણીની આવક નથી તળાવ મોટા હોવાથી પાણી ન ભરાવાથી બહુ અગવડતા પડે છે રીપેરીંગ ની માંગ કરે છે પણ હજી એના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી ગામનો મેઇન રસ્તો બહુ ખરાબ છે એક બે વાર અરજી કરેલી છે પણ હજી સુધી એના ઉપર પણ કોઈ કાર્યવાહી થઈ નથી, ગામમાં આંગણવાડી નું બિલ્ડીંગ પણ નથી પંચાયતના રૂમમાં છોકરાઓને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં હાલ આવી છે, આંગણવાડી માટે પણ અરજી કરેલી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી, સીમમાં જે શાળા એક થી પાંચ સુધીની છે ત્યાં લાઈટની વ્યવસ્થા નથી, હાલ ત્યાં લાઈટ ખેતીવાડીની લાઈન માંથી આપવામાં આવી છે, જે આઠ કલાક જ આવતી હોવાથી બાળકોને ત્યાં ઘણી ભણવામાં તકલીફ પડે છે, આના માટે જીઇબી માં અને તાલુકા પ્રમુખને પણ અરજી કરેલ છે પણ કોઈ હજી સુધી કાર્યવાહી થઈ નથી,