1974ના વાવાઝોડામાં સતત 3 દિવસ અનાજ દળીને લોટ પૂરો પાડવાની સેવામાંથી આ મંદિરની સ્થાપના થઈ હોવાનો રોચક ઇતિહાસ
મોરબી : મોરબીના વસંત પ્લોટ વિસ્તારમાં આવેલ ચકિયા હનુમાન મંદિરમાં હનુમાન જયંતી નિમિત્તે હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની સ્થાપના પાછળ એક અનોખો અને લોકોની સેવાનો ઇતિહાસ જોડાયેલો છે.
સેવાભાવી પ્રવીણ હરિભાઈ કારિયાના જણાવ્યા અનુસાર, 1974 ની સાલમાં જ્યારે ભયંકર વાવાઝોડું આવ્યું ત્યારે મોરબીમાં 5 થી 6 દિવસ સુધી લાઈટ ન હતી. તે કપરા સમયે લોકોની ભૂખ સંતોષવા માટે લોકોએ સતત 24 કલાક અને 3 દિવસ સુધી અનાજની 3 ચક્કી ચલાવીને મોરબી તાલુકાના લોકોને લોટ પૂરો પાડ્યો હતો. આ પ્રથમ સેવામાંથી જ ચકિયા હનુમાનની સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ સ્થાપનાને 52 વર્ષ પૂર્ણ થયા છે.
છેલ્લા 52 વર્ષથી આ મંદિર લોકોની અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તોની એવી માન્યતા છે કે અહીં નાની-મોટી દરેક માનતા પૂરી થાય છે અને હનુમાન દાદા રાતોરાત ભક્તોના કામ કરી આપે છે. હનુમાન જયંતીના પાવન અવસરે મંદિરમાં 52મા હવનનું આયોજન કરાયું હતું. જેમાં હવનમાં બેઠેલા દંપતીઓ માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભક્તો માટે પ્રસાદી, ઠંડા પીણા, લસ્સી અને રસ વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે, વર્ષ દરમિયાન વસંત પ્લોટ વિસ્તારમાંથી નીકળતી કોઈપણ શોભાયાત્રા અહીં પ્રસાદી વિતરણનો લાભ લીધા વિના ક્યારેય આગળ વધતી નથી.