Thursday - Apr 30, 2026

હળવદના દંપતીની કાર કોંઢ પાસે કેનાલમાં કાર ખાબકતા પત્નીનું કરુણ મોત, પતિનો બચાવ

હળવદના દંપતીની કાર કોંઢ પાસે કેનાલમાં કાર ખાબકતા પત્નીનું કરુણ મોત, પતિનો બચાવ

ઘઉં લઈને પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત

હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના પાદરમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં એક ઈકો કાર ખાબકવાની ઘટના સામે આવી છે. તેમાં એક મહિલા પણ હતા. તરવૈયાઓની ટીમે 2 કલાકથી વધુ સમય શોધખોળ ચલાવ્યા બાદ કારમાં સવાર મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

હાલ હળવદના રુદ્ર પાર્કમાં રહેતા મહેશભાઈ છગનભાઈ રાઠોડ અને તેમના પત્ની કમુંબેન મહેશભાઈ રાઠોડ (ઉં.વ. 52) કલ્યાણપુર ગામે ઈકો કારમાં ઘઉં લેવા માટે આવ્યા હતા. ઘઉં લઈને પરત હળવદ ફરતી વખતે તેઓ કોંઢ ગામના પાદરમાં કેનાલ કાંઠે આવેલી તેમના સંબંધીની વાડીએ છાશ લેવા જઈ રહ્યા હતા. આ સમયે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઈકો કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી. કાર કેનાલમાં પડતા જ પતિ મહેશભાઈએ બહાર કૂદકો મારી દીધો હતો, જેના કારણે તેમનો બચાવ થયો હતો. પરંતુ પત્ની કમુંબેન કાર અને ઘઉં સાથે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો, કલ્યાણપુર અને કોંઢ ગામના ગ્રામજનો, ધ્રાંગધ્રા ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આશરે 2 કલાક પછી કમુંબેનનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં ઈકો કારને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આ કરુણ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.