હળવદના સોનીવાડમાં રહેતો પરિવાર અડધો કલાક ઘર બંધ કરી નજીકમાં આવેલ ગણપતિબાપાના દર્શન કરવા ગયા બાદ પાછળથી તસ્કરોએ બંધ પડેલા મકાનમાં ખાબકી રૂપિયા 2.66 લાખના સોનાના દાગીનાની ચોરી કરીને ઘર સાફ કરી નાખ્યું હતું.
હળવદના સોનીવાડમાં રહેતા અને રસોઈ કામ કરતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવેને તા.7ના રોજ રાત્રે માત્ર અડધા કલાક માટે નજીકના ગણેશ મહોત્સવમાં દર્શન કરવા જવા માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી. જેમાં ગત તા.7ના રોજ રાત્રીના આઠેક વાગ્યે તેઓ પરિવાર સાથે તેમના વિસ્તારમાં આવેલા ગણપતિ બાપાના દર્શન કરવા ગયા બાદ પાછળથી તસ્કરો તમેન બંધ મકાનમાં ત્રાટકયા હતા અને તેમના બંધ મકાનમાની સેટીમાં રાખેલ થેલામાંથી કોઈ અજાણ્યા તસ્કરો સોનાની બે વીંટી, મંગળસૂત્ર, સોનાની ચાર જોડી બુટી અને પેડલ સહિત કુલ મળી 53 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા 2,66,000ની માલમતા ચોરી ગયા હતા. જ્યારે તેઓ સાડા આઠેક વાગ્યે ઘરે પરત આવતા ઘરમાં સમાન અસ્ત વ્યસ્ત હોય ચેક કરતા ચોરી થયાનું માલુમ પડતા આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે માત્ર અડધો કલાકમાં જ ખેલ પૂરો કરનાર આરોપીઓ જાણભેદુ હોવાની શંકાએ એ દિશામાં તપાસ હાથ ધરી છે.