Thursday - Feb 12, 2026

મોરબીમાં જી.આર.ડી. જવાનોને રોજનું માત્ર 300 રૂપિયાનું જ મળતું વેતન

મોરબીમાં જી.આર.ડી. જવાનોને રોજનું માત્ર 300 રૂપિયાનું જ મળતું વેતન

આજની કાળઝાળ મોંઘવારીના જમાનામાં મહિને 7 કે 8 હજારના વેતનમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ

મોરબી : ઔદ્યોગિક રીતે સમૃદ્ધ મોરબી જીલ્લાના મુખ્ય સીરામીક ઉધોગમાં 15 હજારથી તો પગાર ધોરણ સ્ટાર્ટ થતા હોય તેવા ઉંચા આર્થિક જીવન ધોરણ વચ્ચે શહેરની ટ્રાફિકના સુચારુ સંચાલનની મહત્વની જવાબદારી જેમના શિરે છે એ ટ્રાફિક બીગ્રેડ એટલે  જી.આર.ડી.ના જવાનોનું લાંબા સમયથી આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં જી.આર.ડી.જવાનોને રોજનું માત્ર 300 રૂપરડી જ વેતન મળે છે. એ હિસાબે આ જવાનોને માસિક વેતન 7 કે 8 હજાર અને ક્યારેક રજા કાપકૂપ કરીને માંડ 6 હજારનું જ માસિક વેતન મળે છે. આટલા વેતનમાં આજની કાળઝાળ મોંઘવારીના જમાનામાં જી.આર.ડી.જવાનોને ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલ પડે છે.

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સરકારના એક ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક એજ્યુકેશનના માધ્યમથી  વર્ષ 2015માં જી.આર.ડી.જવાનોની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી શહેરના ઘણા અગત્યના પોઇન્ટ ઉપર જેન્સની સાથે લેડીઝ જીઆરડી જવાનો પણ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવાની મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. પરંતુ જીઆરડી જવાનો ટકતા જ નથી. વારંવાર જીઆરડી જવાનોની ભરતી કરવામાં આવી હતી. વધુ ને વધુ જીઆરડી જવાનો છ મહિના સુધી જ ફરજ બજાવે છે. એ બાદ જીઆરડી જવાનો નીકળી જાય છે. જીઆરડી જવાનો ટકતા નથી. એનું કારણ એમનું એકદમ નીચું પગારધોરણ જવાબદાર મનાય છે. કારણ કે. આજના યુગમાં એકલા વ્યક્તિને જીવન ગુજારા માટે કમસેકમ મહિને 15 હજાર રૂપિયા કમાવા પડે છે અને મોરબીમાં સીરામીક સહિત અનેક ઉધોગો હોય એમાં 15 હજાર તો માણસો આસાનીથી કમાઈ શકે છે. આવા સંજોગોમાં  સરકાર દ્વારા દરેક જિલ્લા કક્ષાએ રચાયેલા અહીંના જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી જીઆરડી જવાનોને માત્ર રજાઓને બાદ કરતા 6થી 8 હજારનો માસિક પગાર મળે છે. આવી રીતે આ લોકોનું ઘરનું ગુજરાન ક્યાંથી ચાલે ? પગાર વધારવાને બદલે વારંવાર ભરતી કરવામાં આવે છે. હમણાં ભરતી હતી. પણ ઓછાએ રસ દાખવતા આ ભરતી લંબાઈ હતી. એના બદલે પગારધોરણ વધારવા સામાજિક કાર્યકર પી.પી. જોષીએ રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.