માર્ચ એન્ડિંગ નજીક આવતા મનપાની વેરા વસુલાત શાખા કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા ઉધામાથે
મોરબી : મોરબી મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા માર્ચ એન્ડીગનો સમય નજીક આવતા કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવા રીતસર ઉધામાથે થઈ છે. કરવેરાની વસુલાત માટે મનપાની વેરા વસુલાત ટિમોએ ઘણા સમયથી કરવેરા ભરવામાં ઉદાસીનતા દાખવતા આસામીઓને અગાઉ બે થી ત્રણ નોટિસ ફટકરી હોય અને સિલિંગની આખરી નોટિસ ફટકારી હોવા છતાં આસામીઓએ કરવેરા ભરવામાં કોઈ દાદા ન આપતા અંતે મનપાની વેરા વસુલાત શાખાએ આસામીઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી હતી અને મિલ્કત વેરો ન ભરતા 37 આસામીઓની મિલ્કત સીલ કરી છે.
મોરબી મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા મિકલત વેરો વસૂલ કરવા માટેની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે મિલકતના આસામીઓ પાસેથી વર્ષ 2025-26નું વિવિધ પ્રકારના ટેક્સનું માંગણું બાકી હોય તેઓની પાસેથી ટેક્સ વસૂલ કરવા માટે હવે મિલકત વેરા શાખાના કર્મચારીઓ દ્વારા મિલકતો સીલ કરવામાં આવી રહી છે તેવામાં મનપાની ટીમે 37 મિલકતોને સીલ કરેલ છે. મોરબી મનપાની વેરા શાખા દ્વારા જે આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેમને વોરંટ બજવણી અને મિલકતને સીલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મિલકતવેરો ન ભરનાર 312 આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અને વોરંટની બજવણી કરવામાં આવી હતી છતાં પણ મિલકત વેરો ભરપાઈ ન કરનાર 37 આસામીઓની મિલકતને મનપાની ટીમે સીલ કરી છે આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ 2,48,40,503 અને જુદા-જુદા કલ્સટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2,12,83,844 ની વેરાની આવક થયેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ છે કે, આગામી સમયમાં મિલકત વેરા શાખાની વોરંટ બજવણી અને સીલિંગની કામગીરી નિયમિત કરવામાં આવે છે, જેથી જે આસામીનો મિલકત વેરો બાકી હોય તેઓએ વહેલી તકે ભરી દેવો જોઈએ નહીં તો મનપા દ્વારા બાકી વેરાને વસૂલ કરવા માટે તેઓની મિલકતને સીલ કરવામાં આવશે તેવી સ્પષ્ટતાથી ચેતવણી આપી છે.
પહેલા સુવિધા પછી જ વેરો
મનપાએ હાલ તો મિલ્કત વેરો બાકી હોય એવા બાકીદારો સામે જ કાર્યવાહી કરી છે. પણ રહેણાંક વિસ્તારોમાં કરવેરાની કોઈ કડક વસુલાત કરવામાં આવી નથી. પણ મનપા લાગુ થયું હોવાથી વેરાની કડક વસુલાત થશે એવો સ્પષ્ટ નિર્દેશ તંત્ર તરફથી મળ્યો છે. પણ નગરપાલિકા વખતથી ઘણા વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ છે. હમણાં જ અનેક વાડી વિસ્તારના લોકોને વર્ષોથી સુવિધાઓ જ ન મળી હોય અને ઉપરથી વગર સુવિધાએ કરવેરાની નોટિસ મળતા આ લોકોએ પહેલા પહેલા સુવિધાઓ આપો પછી જ વેરો ભરીશું તેવો અવાજ ઉઠાવ્યો હતો.