Sunday - May 03, 2026

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય જીર્ણોધાર મહોત્સવ અને સંતવાણીનું આયોજન.

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય જીર્ણોધાર મહોત્સવ અને સંતવાણીનું આયોજન.

તા. ૧૧ ફેબ્રુઆરીએ શિખર પૂજન, ધ્વજારોહણ અને મહાપ્રસાદ યોજાશે: રાજ્યના મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે ધર્મસભા

મોરબી:મોરબી નજીક આવેલ જૂના વનાળીયા ગામે આસ્થાના પ્રતિક સમાન શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવનું આગામી દિવસોમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય આ ધાર્મિક ઉત્સવમાં યજ્ઞ, સંતવાણી, ધર્મસભા અને સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.

આ ધાર્મિક મહોત્સવની શરૂઆત તા. ૧૦ ને મંગળવારના રોજ થશે. સાંજે ૪:૩૦ કલાકે દેહશુદ્ધિ, ધાન્યાધીવાસ અને કુટીર હોમ જેવા વૈદિક કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય સંતવાણી (લોકડાયરો) યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ ભજનીક મિલનભાઈ પટેલ, દક્ષાબેન પરમાર અને હિતેશગીરી ગોસ્વામી ભજનની રમઝટ બોલાવશે. સંગીત સથવારે તબલા વાદક માનભા જાડેજા અને બેનજો વાદક જગદીશ બાપુ સુરતાલ રેલાવશે.

મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય જીર્ણોધાર મહોત્સવ અને સંતવાણીનું આયોજન.

ત્યારબાદ મુખ્ય દિવસ તા. ૧૧/૦૨ ને બુધવારના રોજ સવારે ૭:૦૦ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. સવારે ૧૦:૦૦ કલાકે ધર્મસભા અને ૧૦:૩૦ કલાકે મંદિરના નવનિર્મિત શિખર પર ઈંડુ અને ધ્વજાજી ચડાવવામાં આવશે. બપોરે ૧૨:૦૦ કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી આપશે:

આ પ્રસંગે બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત આશીર્વચન આપશે. મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મંત્રી અને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ભાજપ સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત માજી મંત્રી જયંતીભાઈ કવાડિયા, બ્રિજેશભાઈ મેરજા, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા અને જિલ્લા પંચાયત સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા સહિતના અગ્રણીઓ ખાસ હાજરી આપશે.

યજમાન પરિવાર:
આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે જયેશભાઈ ગોપાલભાઈ વિલપરા અને સહ યજમાનોમાં દશરથભાઈ ગોપાલભાઈ વિલપરા, શૈલેષભાઈ રતિલાલભાઈ વિલપરા, બળદેવભાઈ ચુનીલાલ વિલપરા, જીગ્નેશભાઈ રતિલાલભાઈ વિલપરા, સંજયભાઈ નારણભાઈ વિલપરા અને ધર્મેન્દ્રભાઈ નારણભાઈ વિલપરા સેવા આપી રહ્યા છે.

સમસ્ત ગ્રામજનો અને આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આ પ્રસંગે પધારવા અને મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.