ફરીથી બેવડી ઋતુથી હાલ 60 ટકા બીમારીઓમાં પણ વધારો થવાની શક્યતા
મોરબી : માસ મહિનાના પ્રારંભે બે ત્રણ દિવસ કડકડતી ટાઢ રહ્યા બાદ હવે શિયાળો અંતિમ ચરણમાં પહોંચી ગયો હોય એવા વાતાવરણની અનુભૂતિ થઈ રહી છે. જેમાં મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા ક્લાય મેટ ચેન્જને કારણે ત્રણ દિવસથી ઠંડી એકદમ ઘટી ગઈ છે. ઠંડીનો પારો ગગડી જતા ગરમીનો પારો સતત ઉંચો ચડી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ ગયા સપ્તાહે 10થી 12 ડીગ્રી લઘુતમ તાપમાન હોવાથી રાત્રે ઠંડીનું જોર હતું. મહત્તમ તાપમાન 27 ડીગ્રી ઉંચું નોંધાતા દિવસભર ગરમી રહી હતી. હવે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસથી ઉનાળો શરૂ થઈ ગયો હોય એવી ગરમીની અનુભૂતિ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 ફ્રેબ્રુઆરીથી 8 ફ્રેબ્રુઆરી સુધી મહતમ તાપમાન વધીને 32થી34 ડીગ્રી ઉંચું જવાની શક્યતા હોવાથી દિવસભર પંખા કે એસી ચાલુ કરવા પડે તેવી ગરમીનો અહેસાસ થશે અને લઘુતમ તાપમાન 16થી 18 ડીગ્રી રહેવાની શક્યતા હોવાથી રાત્રે પણ બહુ જ ઓછી ઠંડી લાગશે. આ સમયગાળા દરમિયાન ભેજનું વાતાવરણ બિલકુલ નહિ રહે, માવઠાની શકયતા ન હોવાથી વાતાવરણ એકદમ ચોખ્ખું રહેશે. એટલે કૃષિ વિભાગ તરફથી ખેડૂતોને કોઈ સાવચેતીના સૂચનો આપવામાં આવ્યા નથી. પણ એરંડા ઉત્પાદનથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. આખા શહેરમાં ઊડતી જીવાત શરીરમાં ચુંબકની જેમ ચોંટી જાય છે અને આંખ, મોઢામાં કે કાનમાં ઘુસી જતી હોવાથી લોકોને ભારે મુશ્કેલી થાય છે. જ્યારે બેવડી ઋતુની સ્વાસ્થ્ય પર માઠી અસર થશે તેવી તબીબોએ શકયતા દર્શાવી છે. ખાનગી હોસ્પિટલના તબીબોએ હમણાંથી સતત વાતાવરણ બદલતું હોય સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે. ગયા સપ્તાહે 60 ટકા જેટલી સરેરાશ વાયરલ બીમારીઓ નોંધાઈ હતી. હવે ફરીથી બેવડી ઋતુને કારણે બેવડા જોશથી આ બીમારીઓ વધવાની શકયતા છે. દૂષિત પાણીના લીધે ઝાડા ઉલ્ટીના કેસો પણ વધ્યા છે. આ ઉપરાંત હવે ગરમીને કારણે મોડી સાંજથી રાત્રી દરમિયાન મચ્છર સેનાનું ભારે આક્રમણ રહેતા બીમારીઓ વધુ ફેલાય તેવી શકયતા હોવાથી આરોગ્ય તંત્ર વ્હેલાસર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.