Saturday - May 02, 2026

યુનેસ્કોની ભેટ: મોરબીના મણી મંદિરે ડિસેમ્બરમાં દિવાળી, ૫૦૦૦ દીવડાથી ભવ્ય ઉજવણી.

યુનેસ્કોની ભેટ: મોરબીના મણી મંદિરે ડિસેમ્બરમાં દિવાળી, ૫૦૦૦ દીવડાથી ભવ્ય ઉજવણી.

મોરબી:ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમાન દિપાવલી પર્વનો યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ માં સમાવેશ થતાં સમગ્ર દેશમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. આ ઐતિહાસિક ક્ષણને વધાવવા મોરબીમાં જાણે ડિસેમ્બરમાં દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. શહેરની શાન સમાન ઐતિહાસિક મણીમંદિર ખાતે ૫,૦૦૦ દીવડાઓના પ્રકાશ અને તિરંગા રોશની સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મણી મંદિર ઝળહળ્યું: તિરંગા રોશની અને રંગોળીના શણગારથી

જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મણીમંદિર પરિસર દિવડાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું. મહેલ પર કરાયેલી તિરંગાની રોશની અને પરિસરમાં દોરાયેલી આકર્ષક રંગોળીઓએ દિવાળી જેવો જ માહોલ ઉભો કર્યો હતો. આ તકે રાજ્યકક્ષાએ વિજેતા થયેલા બાળકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

મહાનુભાવોની ઉપસ્થિતિ અને મહાઆરતી.

આ ગૌરવવંતી પળે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મણી મંદિરમાં આવેલા લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ અને મહાકાળી માતાજીના મંદિરે વિશેષ આરતી કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સમીર સારડા, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.